જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિત મહિલા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી પતિ ઝઘડો અને મારપીટ કરી હેરાનગતિ કરતા હોવાનું જણાવ્યું હતું. આથી જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમના કાઉન્સેલર અરૂણાબેન કોલડિયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અસ્મિતાબેન ગોંડલિયા તથા પાયલોટ રાહુલભાઈ ખાવડું સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગયા હતા. પીડિત મહિલા તથા તેમના પતિને સાંભળી કાઉન્સેલિંગ કરતા જણાયેલ કે, લગ્ન જીવનના ૧૪ વર્ષ થયેલ હોય અને સંતાનમાં બે બાળકો છે.
પતિને ઘણા વર્ષથી દારૂ પીવાની ટેવ હોય અને થોડા સમયથી શારીરિક બીમારીથી પીડાતા હોય અને ડોક્ટર દ્વારા પણ દારૂનું સેવન કરવાની મનાઈ કરી હતી. છતાં પરિવારની જાણ બહાર દારૂનું સેવન કરતા હોવાની પીડિત મહિલાને જાણ થતાં તે બાબતે વાત કરતા ઝઘડો કરવા લાગેલ અને અપશબ્દો બોલી મારપીટ કરવા લાગેલ જેથી પીડિત મહિલાને લાગી આવતા આત્મહત્યા કરવાનું જણાવતા હોય જેથી પરિવાર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સમજતા ના હોય આથી પીડિત મહિલાને સમજાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. ૧૮૧ ટીમ દ્વારા પીડિત મહિલા ને શાંત્વના આપી અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે ચાલતા સેન્ટર વિશે માહિતી આપી હતી. પરંતુ પીડિત મહિલા હાલ ફરિયાદ કરવા માંગતા ના હોય અને તેમના પતિ દારૂ નહીં પીવાની લેખિત સ્ટેમ્પ પેપર પર બાહેંધરી આપતા હોવાથી કુટુંબના બંને પક્ષ સભ્યો સાથે પણ પરામર્શ કરી બધાની સહમતિથી પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું. પીડિત મહિલાના મનમાંથી આત્મહત્યાનો વિચાર દૂર કરતા પરિવારે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
