Gujarat

જિલ્લા પંચાયત, જામનગર તથા દેવભૂમિ દ્વારકાની કચેરી માટે સંયુક્ત રીતે કાયદા અધિકારીની ૧૧ માસના કરાર આધારીત (ફીક્સ પે) જગ્યા ભરવા અંગે અરજીઓ મંગાવવામાં આવી  

જિલ્લા પંચાયત, જામનગર તથા દેવભૂમિ દ્વારકા કચેરી અંતર્ગત વિવિધ શાખાઓ સહીત વિરૂદ્ધ લેબર કોર્ટ, ટ્રીબ્યુનલ, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં ચાલતા કોર્ટ કેસોનું યોગ્ય મોનીટરીંગ કરવા, જરૂરી એફીડેવિટ કરવા, પુરાવા રજૂ કરવા, રીજોઈન્ડર કરવા અને કેસ/ચુકાદાના અમલીકરણ સંબંધે સરકારી વકીલ અને બંને જિલ્લા પંચાયત કચેરીઓ સાથે કોર્ટ કેસને લગતી સંકલનની કામગીરી માટે, બંને જિલ્લાઓની કચેરીઓ માટે સંયુક્ત રીતે કાયદા અધિકારીની ૧૧ માસના કરાર આધારીત (ફીક્સ પે)ની એક (01) જગ્યા, રાજ્ય સરકારના પંચાયત વિભાગના ઠરાવ ક્રમાંક: મકમ ૧૦૨૦૨૨/૧૧૬/છ તા.૨૯/૦૬/૨૦૨૨થી મંજુર થયેલ છે. આ જગ્યા પર નિમણુંક માટે નીચે મુજબની લાયકાત ધરાવતા વકીલશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

લાયકાતના ધોરણો: (૧) ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી (૨) કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા (બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં નોંધણી ફરજીયાત) (૩) CCC+ સ્તરનું કોમ્પ્યુટર કૌશલ્ય (૪) ઓછામાં ઓછો ૦૫ વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ (૫) ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૦૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/વિભાગીય કચેરીઓમાં રાજ્ય સરકાર વતી ગુજરાત હાઈકોર્ટ/સુપ્રિમ કોર્ટમાં બચાવની કામગીરીનો ન્યુનત્તમ ૦૩ વર્ષનો અનુભવ (૬) ઉમેદવાર માટે મહત્તમ વયમર્યાદા ૫૦ વર્ષ….

આ જગ્યા અંગે વેતન માસિક રૂ.૬૦,૦૦૦/- ફીક્સ પે (૧૧ માસની મુદ્દતનો કરારીય સમયગાળો) મુજબ રહેશે. ઇચ્છુક ઉમેદવારોએ નિયત અરજી ફોર્મ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરી, મહેકમ શાખા, જિલ્લા પંચાયત, જામનગરમાંથી  મેળવીને, સુચવેલ આધારો સાથેની ભરેલી અરજી આગામી તા.૧૨/૦૯/૨૦૨૨, સાંજે ૧૮:૧૦ કલાક સુધીમાં ઉપરોક્ત જણાવેલ કચેરીમાં રૂબરૂ/ પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. નિમણુંક મેળવનાર ઉમેદવારની ફરજો, બોલીઓ-શરતો નિયત અરજી ફોર્મ સાથે આપવામાં આવશે, જે તેમને બંધનકર્તા રહેશે. આ અંગે રાજ્ય સરકારના વખતો-વખત જારી કરાયેલા હુકમોનું પાલન કરવાનું રહેશે. અધુરી વિગતો દર્શાવતી, સંદિગ્ધ તેમજ સમય મુદ્દત વિત્યા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. પસંદગી પામેલ ઉમેદવારને પસંદગી સમિતી દ્વારા રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તેમણે સ્વ-ખર્ચે આવવાનું રહેશે. જેની નોંધ લેવા શ્રી મિહિરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *