દુબઈ
એશિયા કપના રવિવારના મુકાબલામાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે પછડાટ આપી હતી. આ સાથે જ પાકિસ્તાને ગત સપ્તાહે ગ્રુપ મેચમાં ભારત સામે મળેલા પરાજયનો બદલો પણ વાળ્યો હતો. ભારતની હારમાં કંગાળ બોલિંગ અને ફિલ્ડિંગ જવાબદાર પરિબળો રહ્યા હતા. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ભારતના ઓપનર્સે મજબૂત શરૂઆત આપ્યા બાદ મધ્યમહરોળના બેટ્સમેનોનો ધબડકો થતાં ભારે સમયાંતરે વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલીની અડધી સદી એળે ગઈ હતી. દુબઈની સપાટ પીચ પર ભારતીય ટીમે નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે ૧૮૧ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાને ૧૯.૧ ઓવરમાં પાંચ વિકેટે લક્ષ્યાંક પાર કરી લીધો હતો. પાકિસ્તાન અને ભારત વચ્ચે એશિયા કપમાં ૧૭ મુકાબલા રમાયા છે જે પૈકી નવમાં ભારતનો અને છમાં પાકિસ્તાનનો વિજય થયો છે. જ્યારે એક મુકાબલો અનિર્ણાયક રહ્યો હતો. પાકિસ્તાન ૨૦૧૪માં ભારતને હરાવવામાં સફળ રહ્યું હતું અને ત્યારબાદ આઠ વર્ષ પછી પાક.એ ભારતને એશિયા કપમાં ફરી હરાવ્યું હતું. પાકિસ્તાનને ૧૮૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા કેપ્ટન બાબર આઝમ (૧૪)ની વહેલી વિકેટ ગુમાવી હતી. ઓપનર મોહમ્મદ રિઝવાને ૫૧ બોલમાં ૭૧ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થયો હતો. ફખર ઝમાને ૧૫ રન કર્યા હતા અને તે ચહાલનો શિકાર થયો હતો. મોહમ્મદ નવાઝને ચોથા ક્રમે બેટિંગમાં તક અપાઈ હતી અને તેણે ૨૦ બોલમાં ૪૨ રનની ઉપયોગી ઈનિંગ રમતા રિઝવાન સાથે ત્રીજી વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી નોંધાવી હતી. નવાઝે દમદાર બેટિંગ ઉપરાંત બોલિંગમાં એક વિકેટ ઝડપી હોવાથી તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ભારતને આ મેચમાં રવિન્દ્ર જાડેજાની ખોટ સાલી હતી. આ ઉપરાંત બિશ્નોઈએ ફેંકેલી ૧૮મી ઓવરમાં અર્શદીપે આસિફ અલી (૧૬)નો કેચ છોડતાં ભારતે મેચમાં પકડ ગુમાવી હતી. અંતિમ ઓવરમાં પાક.ને જીતવા માટે સાત રનની જરૂર હતી અને અર્શદીપની અંતિમ ઓવરમાં બીજા બોલ પર જ આસિફે ચોગ્ગો ફટકારતા મેચ ભારતના હાથમાંથી સરકી ગઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ભારતના ટોપ થ્રીએ મજબૂત શરૂઆત અપાવી હતી. રાહુલ (૨૮) અને રોહિત (૨૮) વચ્ચે પ્રથમ વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલીએ (૬૦) ટી૨૦ આંતરાષ્ટ્રીય કારકિર્દીની ૩૨મી અડધી સદી પાકિસ્તાન સામે ફટકારી હતી. જાે કે ભારતની જૂની સમસ્યા રહેલા મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર (૧૪) અને હાર્દિક પંડ્યા (૦) મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયા હતા. ભારતીય ટીમે પાવરપ્લેનો સદઉપયોગ કર્યો હતો અને આક્રમક બેટિંગ કરતા પ્રારંભે ૧૨ની રનરેટ પ્રાપ્ત કરી હતી. ટોચના બેટ્સમેનો આઉટ થતા મિડલ ઓર્ડરનો ધબડકો થયો હતો અને ભારતનો રનરેટ નીચો આવી ગયો હતો. હુડ્ડા પણ ૧૪ બોલમાં ૧૬ રન કરી પેવેલિયન પરત ફર્યો હતો. અંતિમ ઓવરમાં રવિ બિશ્નોઈને પાકિસ્તાનની ખરાબ ફિલ્ડિંગનો ફાયદો થયો હતો અને બે ચોગ્ગા ભેટમાં મળતા ભારતે ૧૮૦ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યું હતું. પાકિસ્તાન તરપથી શાદાબે ચાર ઓવરમાં ૩૧ રન આપીને બે વિકેટ ઝડપી હતી. નસીમ, હસનૈન, રઉફ અને નવાઝે એક-એક વિકેટ ઝડપી હતી.

