સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીની ગણેશ પ્રતિમાઓનું પ્રાકૃતિક રીતે સ્થાપન અને વિસર્જન કરવાનું અભિયાન ભરૂચ માં ચલાવવામાં આવ્યું. આ અભિયાનમાં જોડાવવા ભરૂચ ના પ્રકૃતિ પ્રેમીઓને આહવાન કરવામાં આવ્યું. જેમાં ભરૂચ ના અંબાલાલ પાર્ક ના બાળકો દ્વારા માટીમાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. તેને કુદરતી રંગોથી રંગવામાં આવી સાથે કુદરતમાં ભળી જાય તેવો શણગારથી સજીવવામાં આવી હતી. આ સુંદર માટીના ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન તેઓના ઘરે કરવામાં આવ્યું હતું.
બાળકો ગણેશચતુર્થીના દિવસથી રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા બાદ ભાવભક્તિથી ધૂપ-દીવો પ્રગટાવી. દૂર્વા, ફળ-ફૂલ અર્પણ કરી. લાડવાનો ભોગ ધરાવી. કપૂર પ્રગટાવીને આરતી ઉતારતા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ચલાવવામાં આવેલ માટીના શ્રી ગણેશ જાગૃતિ અભિયાનને વેગ આપવા વિશ્વ હિન્દુ પરિષદના સત્સંગ પ્રભારી શ્રી સંદિપભાઈ પુરાણી અને ભાવનાબેન પુરાણી દ્વારા ઉપસ્થિત રહી બાળકોમાં ધર્મ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે માટીના ગણેશ પૂજા નું મહત્વ સમજાવ્યું હતું.આ માટીની ગણેશ મૂર્તિઓનું સોસાયટીમાં જ ટબ માં પાણી ભરી પ્રાકૃતિક રીતે વિસર્જન કરવામાં આવ્યું. સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ અને પ્રકાશચંદ્ર પટેલ દ્વારા પવિત્ર તુલસીના રોપાઓ આપવામાં આવ્યા હતા. હવે તેઓ ગણેશ વિસર્જન કરેલ ટબની માટીમાં પવિત્ર તુલસીના રોપ લગાવશે. આ કાર્યના સંકલનમાં સંસ્કૃતિ ટ્રસ્ટ ના સભ્ય તથા સોસાયટી ના ભાવનાબેન વ્યાસે પોતાનું યોગદાન આપ્યું હતુ અને કહ્યું હતું કે પુજા કરેલ ફુલહાર અને શણગારમાંથી તેઓ ખાતર બનાવશે.

