સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા નાવલી કાંઠે આવેલા રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર પાસે જાહેર રસ્તા પર ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો.. સાંકેતિક બંધમાં લોકોએ નિર્દિષ્ટ સમય સુધી ધંધા રોજગાર બંધ નહીં રાખીને રુક જાઓ જેવો ચેતવણીજનક સંદેશ પાઠવ્યો.
કોંગ્રેસ પાર્ટી દ્રારા વધતી જતી મોંઘવારી અને બેરોજગારી સામે વિરોધ વ્યક્ત કરવા માટે તારીખ ૧૦-૯-૨૦૨૨ ના રોજ સવારે આઠ થી બપોરના બાર વાગ્યા સુધી સાંકેતિક બંધનું એલાન આપવામાં આવેલ. આ સંદર્ભે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને સાવરકુંડલા શહેર કોગ્રેસ તથા સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આજે જાહેર માર્ગો પર ફર્યા અને લોકો સાથે સંવાદ કરતાં પણ જોવા મળેલ અને આખરે સાવરકુંડલા શહેરનાં નાવલી કાંઠે આવેલા રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે જાહેર રસ્તા પર ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવેલ. હા, બેરોજગારી અને મોંઘવારી એ આમ ગણીએ તો મહા રાક્ષસ જ છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ આ બકાસુર રાક્ષસથી પીડાય રહ્યો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી દ્રારા આ સાંકેતિક બંધનું એલાન આપવામાં આવેલ. લોકો પણ આ મોંઘવારીનાં ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. બેરોજગારી નામનો અસૂર પણ સમગ્ર દેશવાસીઓને પરેશાન કરી રહ્યો છે ત્યારે આ સાવરકુંડલા શહેરમાં આ સાંકેતિક બંધની નિર્દિષ્ટ સમય સુધી પૂર્ણપણે અસર કેમ ન જોવા મળી? એ પણ યક્ષપ્રશ્ન છે. પેલો શેર છે. *સિર્ફ હંગામા કરના મેરા મકસદ નહીં મેરી કોશિશ યહીં હૈ કિ યે સુરત બદલની ચાહિયે..* આવા ઉદગારો વચ્ચે ચક્કાજામ અને એમાં પણ આમજનતાની સામેલગીરીનો અભાવ શું સૂચવે છે?? કંઈક તો આ સંદર્ભે સંકેત મળે છે કે લોકોએ કાં વિરોધ કરવાની પ્રતિકાર શક્તિ ગુમાવી બેઠા છે અથવા હવે કંઈ થઈ શકે નહીં એવી અવધારણા બાંધી લીધી છે? ખૈર જે હોય તે પરંતુ સાંકેતિક બંધમાં લોકોને ધંધા રોજગાર બંધ રાખવા હવે આ કાળઝાળ મોંઘવારીમાં પરવડે તેમ નથી? કે પછી આ તો વિરોધ પક્ષનું કામ છે.. એ કરશે. આપણાથી થોડું કંઈ થાય? એવી ગેરમાન્યતાઓ કદાચ લોકોએ બાંધી લીધી હોય.. કે પછી ધંધો બંધ રાખીશું તો એ નુકસાન કોણ ભરપાઈ કરશે? એવી અનેક બાબતો લોકોના મનમાં કદાચ વેદના સ્વરૂપે ઘોળાયા કરતી હશે..? જે હોય તે.. પરંતુ હવે એક વાત સ્પષ્ટ છે કે બે ટંક પેટિયું રળવા માટે સતત કોશિશ કરતાં આમ ઇન્સાનની વ્યથા અને કથા કથિત સાંકેતિક બંધમાં નિર્દિષ્ટ સમય સુધી પોતાની ભાગીદારી નહીં નોંધાવીને કરી છે.


