ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે આપ અને BTPએ કરેલા ગઠબંધનનો ચૂંટણી પહેલાં જ અંત આવી ગયો છે. આપ સાથે ગઠબંધન સમયે ભાજપ-કૉંગ્રેસની ગરમ ભઠ્ઠીને ઠંડી પાડવાની વાત કરનારા છોટુ વસાવાએ આજે આપ પર પ્રહાર કર્યા હતા. ભાજપના સહકારથી ‘આપ’ બધાનો બાપ થવા માગતો હોવાનું નિવેદન આપ્યું હતું અને હવે આપ સાથે તેઓની પાર્ટીનું કોઈ ગઠબંધન ન હોવાની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલા થવાના સંકેતના પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)એ ચાર મહિના સાથે મળી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જે તે સમયે કેજરીવાલ અને છોટુ વસાવાએ સાથે રહી તીર સાથે સાંકેતિક તસવીર પણ પડાવી હતી. જો કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલાં જ આપ અને બીટીપી વચ્ચે તિરાડ પડી ગઈ છે.
આપ સાથે હવે બીટીપીનું કોઈ ગઠબંધન ન હોવાની જાહેરાત કરનાર બીટીપીના આગેવાન છોટુ વસાવાએ કહ્યું હતું કે, ભાજપના સહકારથી દેશમાં આપ બધાનો ‘બાપ’ બનવા માગે છે. એ વાત શક્ય નથી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા થોડા સમય પહેલાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. જેમાં નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રફુલ્લ વસાવાના નામની જાહેરાત કરી હતી. પ્રફુલ્લ વસાવાની થોડા મહિનાઓ પહેલાં જ બીટીપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. જેને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપતા બંને પાર્ટીમાં કડવાટ પેદા થઈ હોવાની ચર્ચા છે.


