મોરબી
મોરબીના રફાળેશ્વર નજીક ૨૨ વર્ષના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો હતો. જે દિવસે યુવાને મોતને વ્હાલું કર્યું તે જ દિવસે યુવાનનો જન્મદિવસ હતો. જાે કે મોબાઈલની જીદ યુવાનના આપઘાતનું કારણ બની હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નઝરબાગ પાસે માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા રામજીભાઈ હીરાભાઈ કુકવા (ઉ.વ. ૨૨) નામના યુવાન તા. ૨૦ના સવાર રફાળેશ્વરથી નજરબાગ વચ્ચે આવેલા રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે આવી જતાં મોત થયું હતું. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે. તાલુકા પોલીસ મથકના મણીલાલ ગામેતી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાનનો તા. ૨૦ના રોજ જન્મદિવસ હતો અને પિતા પાસે મોટો મોબાઈલ લેવા જીદ કરી હતી. પરંતુ પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા યુવાનને લાગી આવતાં તેણે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


