ગાંધીનગર
ગાંધીનગરના જાખોરામાં ગામમાં યોજાતા નવરાત્રિના ગરબા જાેવા જતી ૧૮ વર્ષની યુવતીને અંધારામાં આંતરીને ગામના યુવકે છેડતી કરી ડ્રેસ ફાડી દઈ નાસી ગયો હોવાની ફરિયાદ ચીલોડા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. ગાંધીનગરના જાખોરા ગામમાં રહેતી ૧૮ વર્ષની યુવતી ગઇકાલ રાતના ઘર પાછળ બહુચર ચોકમાં નવરાત્રીના ગરબા ગાવા જવા નીકળી હતી. તે વખતે તેના ઘરથી થોડેક આગળ અંધારામાં ગામનો વિજય ઉમેદજી રાઠોડ એકદમ પાછળથી આવ્યો હતો. હજી યુવતી કઈ સમજે એ પેલા જ વિજયે યુવતીનો હાથ પકડી લીધો હતો. જેથી યુવતીએ હાથ છોડાવવાની કોશિશ કરતા વિજયે તેનો ડ્રેસ પકડી લઈ છેડતી કરવા લાગ્યો હતો. આ ઘટનાથી ગભરાઈ ગયેલી યુવતીએ બૂમાબૂમ કરી મુકતા નજીકથી તેનો ભાઈ દોડી આવ્યો હતો. જેને જાેઈને વિજય અંધારામાં ભાગી ગયો હતો. બાદમાં ઘરે જઈને યુવતીએ ગામના વિજય રાઠોડની હરકતો વિશે માતા પિતાને જાણ કરી હતી. વિજય છેલ્લા પાંચ દિવસથી યુવતીની સામે જાેયા કરતો હતો. અને ગઈકાલે તેણે છેડતી કરી હતી. જેનાં પગલે યુવતીની ફરિયાદના આધારે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


