ભરૂચ જિલ્લામાં પૂર્વપટ્ટીના મજબૂત આગેવાન મહેશ પરમાર અને વાગરાના યાકુબ ગુરુજી સહિત આગલી હરોળના અનેક આગેવાનોએ કોંગ્રેસને બાય-બાય કરી દેતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી હતી. આ આઘાતની કળ વડે તે પહેલા જ કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા કોંગ્રેસ ચૂંટણી પહેલા જ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે. વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ, વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના આગેવાન યુનુસ સરપંચ સહિત 16 ગામોના આશરે 300થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરીયો ખેસ પહેરાવી ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી હવે નજીકમાં છે. એક તરફ રાજકીય પક્ષો અને સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચુક્યા છે. ચૂંટણીલક્ષી રાજકારણ ધીરે-ધીરે જામી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આગલી હરોળના કોંગ્રેસના અડીખમ આગેવાનો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભરૂચ જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી પહેલા જ મુશ્કેલીમાં મુકાઈ ચુક્યું છે.

