પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જામનગરના પ્રદર્શન મેદાન ખાતેની જનસભામાં આગમન પૂર્વે જાણીતા લોક સાહિત્યકાર યોગેશ ગઢવીએ તેમના સાજિંદાઓ સાથે સૌરાષ્ટ્ર – હાલાર ખમીરાતને ઉજાગર કરતા ગીતો-લોકગીતો રજૂ કરી જમાવટ કરી હતી.
આ વિશાળ જનસભામાં લોકગીત અને દેશભક્તિસભર ગીતોની સૂર સૂરાવલીઓમાં માનવ મહેરામણ ડોલી ઉઠ્યું હતું. શ્રી યોગેશ ગઢવીએ લોક સંગીતની સાથે તેમની આગવી શૈલીમાં જામનગર-હાલારના ઉજળા ઇતિહાસના પ્રસંગો રજૂ કર્યા હતા. ઉપરાંત મન મોર બની થનગનાટ કરે…જેવાં લોકપ્રિય ગીતો રજૂ કરવાની સાથે દુહા-છંદોની પણ રમઝટ બોલાવી હતી.
