દેશમાં આવી રહેલ પાંચ રાજયોની ચૂંટણીને લઈને યુપી, ઉત્તરાખંડ, પંજાબ સહિતનાં રાજ્યોમાં ભારે ગરમાટો વ્યાપી ગયો છે. તેમાં પણ સૌથી વધારે ગરમાહટ યુપીમાં વ્યાપી ગઈ છે. અત્યારે જે પ્રમાણે રાજકિય ગરમી વધુ પ્રમાણમાં જામી પડી છે તેવી ગરમી ખેડૂત આંદોલન અગાઉ વ્યાપ્ત ન હતી પરંતુ મર્યાદિત વિસ્તારો પૂરતી હતી. હાલમા રાજકીય ગરમી સાથે ઉહાપોહ સમગ્ર યુપી સહિત દેશભરમાં પ્રસરી ગયો છે તેનું કારણ છે કેન્દ્રીય રાજ્યમંત્રીના પુત્રએ દેખાવો યોજવા જઇ રહેલી ખેડૂત રેલી પર ખેડૂતો દ્વારા કોઈ પણ જાતની ઉશ્કેરણી જનક વ્યવહાર અને વર્તન ન હોવા છતાં રેલી પર જીપ ચલાવી દીધી જેમાં ચાર ખેડૂત, એક પત્રકાર સહિત અન્ય ત્રણનાં મૃત્યુ થયા જેના કારણે ખેડુતો ભડક્યા અને આગબબુલા થઈ ગયા. ખેડૂતોનો અણસાર પામીને કિસાન આંદોલનના નેતા રાકેશ ટિકૈત તરત જ દોડી આવ્યા તો બીજી તરફ સરકારે મૃતક ખેડૂતોના પરિવારોને રૂપિયા ૪૫ લાખની સહાય આપવાની જાહેરાત કરી દીધી. જ્યારે કે ખેડૂત રેલી પર જીપ ચલાવી દેનાર મંત્રી પુત્ર સહિતનાની ધરપકડ કરવાથી પોલીસ દૂર રહી. તેમજ મંત્રી પુત્રના બચાવમાં યોગીએ કોઈ પણ મણા બાકી રાખી નહીં. છેલ્લે પોલીસે એફઆઈઆર નોંધીને પોલીસે ફરિયાદની કોપી એટલી ઝાંખા શબ્દો લખેલ આપી કે ખુદ ડોક્ટર, વકીલ કે મૃતક ખેડૂતોના પરિવારના લોકો પણ વાંચી ન શકે જેથી અક્ષરો વંચાય તેવી કોપી આપવામાં માંગણી થઈ પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં ખેડૂતોમાં શંકાઓ વ્યાપી જવા સાથે મજબૂત બની કે યોગી સરકાર મંત્રી પુત્રને બચાવવા માંગે છે.અને આ બાબતના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર યુપીમાં પડ્યા છે. જે આવી રહેલી ચૂંટણીમાં સત્તાધારી યોગી સરકારને ભારે પડી શકે…..!
મૃતક ખેડૂત પરિવારોને પ્રિયંકા ગાંધી મળવા જવાની બાબતે યોગી સરકારના પોલીસ તંત્રએ પ્રિયંકાને અટકાવીને બે દિવસ માટે અટકાયત કરી ત્યાંના એક હાઉસમાં ગોંધી રાખ્યાં.જેના કારણે કોંગ્રેસ કાર્યકરો સહીત યુપીમાં ઘણા લોકો ભડકી ગયા અને આક્રો?શ વ્યાપી ગયો. પ્રિયંકાની અટકાયત કરવા માટેનું કારણ કોઈ ઠોસ કારણ ન હતું જેથી તેના પડઘા સમગ્ર યુપીમાં થઈને દેશભરમાં પડ્યા. કારણ કે દુઃખદ ઘટનામાં આશ્વાસન આપવા જવાની લાગણીભરી બાબત હતી. તેથી લોકો વધુ ભડકી ગયા. બીજી તરફ પ્રિયંકાએ ખાવાનો ત્યાગ કરી દીધો. પ્રિયંકાની અટકાયત કરવી ખોટી છે તેવું જ્ઞાન યોગી સરકારને મોડે મોડે સમજાયુ બીજી તરફ આમ પ્રજામાં યોગી સરકાર સામે મોટા પ્રમાણમાં વિરોધ વ્યક્ત થવા લાગ્યો. જ્યારે રાહુલ ગાંધીએ પણ જાહેરાત કરી દીધી કે તેઓ લખીમપુર મૃતક કિસાનોના પરિવારોને મળવા જશે…. આખરે યોગી સરકાર ને ભાન થયું અને પ્રિયંકા અને રાહુલ ગાંધીને મૃતક ખેડૂત પરિવારોને મળવા જવા દેવા પડ્યા. દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ પોતાના બચાવમાં વીડિયો જાહેર કર્યો હતો તેની સામે પ્રજાએ વીડિયો જાહેર કર્યો અને મંત્રીશ્રીના વિડીયોના જૂઠાણાનો પર્દાફાશ થઈ ગયો. તેથી ખેડૂતો વધુ ભડકી ગયા છે અને મંત્રી પુત્રની ધરપકડ કરવા તેમજ મંત્રીને તેમના પદ પરથી દૂર કરવા માંગ કરી રહ્યા છે. તે સાથે રાજ્ય ભરમાં અસ્થિ કળશ યાત્રા કાઢવા અને કિસાન મહાપંચાયત યોજવાની જાહેરાત કિસાન આંદોલનના નેતા રાકેશ ટિકૈતે કરતા તેનો રેલો દિલ્હી તળે પહોંચી ગયો અને ખુદ વડાપ્રધાને મુખ્યમંત્રી યોગીને તટસ્થતાથી તપાસ કરવા કહી દેવાની ફરજ પડી છે. કારણ…. યુપી એટલે વડાપ્રધાન માટેનું ભાવિ…. વડાપ્રધાન નક્કી કરવાની દોર જેઓના હાથમાં છે તે યુપી…..!
