નવી દિલ્હી
ભારતીય સૈન્યના ટોચના અધિકારીઓ સોમવારે એક હાઇ લેવલની બેઠક કરવા જઇ રહ્યા છે. કમાંડરોની આ બેઠકમાં સરહદ પર સુરક્ષાની સ્થિતિને લઇને ચર્ચા થશે. પાકિસ્તાન સૈન્ય એલઓસી પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. એવા સમયે આ બેઠક યોજાવા જઇ રહી છે. જ્યારે એલએસી પર ચીની સૈન્ય પણ એવુ જ કરી રહ્યું છે. અગાઉ ભારતીય સૈન્યએ અરુણાચલ પ્રદેશ અને પૂર્વી લદ્દાખમાં પણ સૈન્ય ક્ષમતા વધારી દીધી હતી અને બોફોર્સ તોપોથી લઇને રોકેટ લોંચર્સ તૈનાત કર્યા હતા.પૂર્વ લદ્દાખ અને ઉત્તરાખંડ બાદ હવે પૂર્વોત્તરમાં પણ એલએસી પર ચીનની આક્રામકતાનો જવાબ આપવાની તૈયારી ભારતીય સૈન્ય કરી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ભારતીય સૈન્ય એલએસી પર કોઇ પણ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે ચીન સરહદ પાસે ફોરવર્ડ પોઝિશન પર પિનાક અને સ્મર્ચ મલ્ટીપલ રોકેટ લોંચર સિસ્ટમને તૈનાત કરી રહ્યું છે. હાલમાં જ સૈન્યએ અરુણાચલ પ્રદેશમાં એલએસી પર તૈનાતી વધારી દીધી હતી. આ પહેલા પૂર્વી લદ્દાખમાં પણ સૈન્ય દ્વારા મોટા પાયે જવાનો અને યુદ્ધ હથિયારોને તૈનાત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પિનાક હથિયાર પદ્ધતી એક રોકેટ આર્ટિલરી સિસ્ટમ છે. જે ૩૮ કિલોમીટર ઉંચાઇ સુધી દુશ્મનોને નિશાન બનાવી શકે છે. ઉંચાઇ વાળા સરહદી વિસ્તારમાં આવી સિસ્ટમની તૈનાતીનો હેતુ સૈન્યની ઓપરેશનની ક્ષમતાને મજબૂત બનાવવાનો છે. એનઆઇએના રિપોર્ટ અનુસાર પિનાકના છ લોંચરોની એક બેટરી ૪૪ સેકંડમાં ૭૨ રોકેટનો સેલ્વો ફાયર કરી શકે છે. જેનાથી ૧૦૦૦થી ૮૦૦ મીટરના અંતરમાં દુશ્મનોની ટેંકો અને અન્ય હથિયારોને નષ્ટ કરવા શક્ય છે. પિનાક ૭૫ કિલોમીટર સુધી ફાયર કરી શકે છે. જેનાથી સૈન્યની હુમલાની ક્ષમતા અનેક ગણી વધી જાય છે. દરમિયાન પાકિસ્તાન અને ચીને સરહદો પર ચહલપહલ વધારી દીધી છે.
