જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે આદર્શ આચાર સંહિતા લાગુ પડેલ છે. ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઇપણ રાજકીય પક્ષ કે કોઇપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચૂંટણી સંબંધી સભા, સરઘસ, રેલી કે તેવો કોઇપણ કાર્યક્રમ યોજવામાં આવે ત્યારે ચૂંટણી સંબંધી કાર્યક્રમોમાં અને જાહેર સ્થળોએ લોકો તેમના પરવાનાવાળા હથિયાર સાથે રાખીને એકઠા થાય કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી, આથી ચૂંટણી યોજાનાર વિસ્તારમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પી. પંડ્યાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪(એ) તળે તેઓને મળેલ સતાની રૂએ, આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો(અપવાદ સિવાયના)એ તેમના પરવાનાવાળા હથિયાર સાથે સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે ફરવા ઉપર તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
ફરજની રૂએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા તથા સ્વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજુર કરાયેલ હોય તેવા તમામ સરકારી અધિકારીઓ, તમામ મેજીસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્ષ, સેન્ટ્રલ એકસાઇઝ, પોર્ટ, રેલ્વે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ-કર્મચારીઓ, ફરજની રૂએ જેમને હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા હોમગાર્ડનાં જવાનો તેમજ જેમને મુકિત અપાયેલી હોય તેવા વ્યકિતગત પરવાનેદારોને આ જાહેરનામુ લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગરના જાહેરનામા દ્વારા જણાવાયું છે.
