(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હોય સંકલ્પ દ્રઢ તો બઘું જ શક્ય છે, સ્વચ્છતાનો સંદેશ હવે આત્મસાત કરવાનો આ પણ એક શ્રેષ્ઠ સમય છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ માટેનાં આંકડાઓ જાહેર થતાં સહેજે મનમાં પ્રશ્ન તો ઉઠે જ કે સ્વચ્છતા સર્વેક્ષણ આંકમાં સાવરકુંડલા શહેરનું સ્થાન આટલું નીચું કેમ? વાંક કોનો? શું નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે હજુ પણ વધુ સુદ્રઢ પગલાં લેવા જોઈએ..? પ્રથમ તો શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીની ગંદકી અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ થવો જરૂરી છે. ત્યાર બાદ શહેરનાં અમુક પોઈન્ટ કે જ્યાં ગંદકી અને કચરો વધુ જમા થતો હોય ત્યાં પણ તંત્ર ધારે તો અઠવાડિયામાં બે ચાર સ્પેશિયલ ડ્રાઈવ પણ યોજી શકે. અરે સમયાંતરે રેન્ડમલી અમુક વિસ્તારોમાં ગંદકી અને કચરાનો નિકાલ થયો છે કે નહીં તે જાણવા સર્પ્રાઇઝ ચેકીંગ પણ હાથ ધરી શકાય.. નગરપાલિકા સદસ્યો પણ પોતાના વિસ્તારની પૂરી કાળજી રાખી સમયાંતરે તેનાં સંપૂર્ણ વિસ્તારમાં દસ પંદર દિવસે એક લટાર મારી અને આસપાસના વિસ્તારોનું અવલોકન કરી તેની સવિસ્તર નોંધ કરી તંત્ર સમક્ષ રજુઆત પણ કરી શકે. સફાઈ કર્મચારીઓ સમયસર અસરકારક કાર્ય કરે છે કે કેમ?? તેનું પણ સવિસ્તર વિશ્ર્લેષણ થાય..
જરૂર પડ્યે તંત્રનાં ટોચનાં કર્મચારીગણ પણ ખાનગી રાહે સમગ્ર સફાઈ ઝૂંબેશનું વિહંગાવલોકન કરી અને જરૂર જણાય ત્યાં કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તંત્રને એ અંગે સવિસ્તર માહિતી આપવામાં આવે.. લોકોમાં પણ સફાઈ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરી શકાય.. *હા, સહિયારા પ્રયાસો કરીને મારું સાવરકુંડલા શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે કેમ ન આવે? એવાં ઉમદા ભાવ અને પૂરા જોશ સાથે જો શહેરનાં નાગરિકો પણ સંકલ્પબધ્ધ થાય તો સ્વચ્છતા ક્ષેત્રે સાવરકુંડલા શહેર સમગ્ર રાજ્યમાં એક ગૌરવવંતું સ્થાન પણ પ્રાપ્ત કરી શકે. પરંતુ આ બધી તમામ બાબતો જો અને તો પર નિર્ભર રહે છે.* રાજકીય સમારંભો કે સંમેલનમાં પણ શહેરને સ્વચ્છ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવે તો સાવરકુંડલા શહેર એક સ્વચ્છ અને રળિયામણું શહેર બને અને *વર્ષોથી નાવલી નદીમાં બેસતી શાકમાર્કેટને પણ કોઈ યોગ્ય અને સ્વચ્છ સ્થાન મળે..* જરૂર છે પ્રબળ ઈચ્છા શક્તિની..બાકી તો ઈશારો જ પર્યાપ્ત..વિશેષ કશું નહીં તેજીને ટકોર જ હોય..


