જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. આ ચુંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચુંટણી અધિકારી/ મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં જશે એ માટે ચુંટણીપંચની સુચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચુંટણી અધિકારી/ મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈ પણ સંજોગોમાં ૩ કરતા વધુ વાહનો રાખવા/હંકારવાની મંજુરી મળવાપાત્ર નથી તેમ જામનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પી. પંડ્યા દ્વારા એક જાહેરનામા થકી જણાવાયું છે.
સમગ્ર જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧ અન્વયે ઉમેદવારોએ ચુંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સતાધિકારી પાસેથી પરવાનગી મેળવી લેવાની રહેશે. તથા તેને વાહનોની વિન્ડ સ્ક્રિન પર બહારથી જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે, ચુંટણી પ્રચાર માટે પરવાનગી મેળવેલ વાહનોનો ચુંટણી પ્રચારના કોન્વોયમાં ઉપયોગ કરવાના કિસ્સામાં ભારતના ચુંટણીપંચની છેવટની સુચના મુજબ ઉપયોગ કરવાનો રહેશે. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાનાર વાહનમાં જો વધારાની એસેસરીઝ ફીટ કરાવેલ હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજૂરી રજૂ કરવાની રહેશે.
તેમજ તમામ પ્રકારના સરકારી/અર્ધસરકારી વાહનો, રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ કે જેમને Z+ શસ્ત્ર સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હોય અથવા જેમની જિંદગીને ત્રાસવાદીઓની ધમકીના કારણે જોખમ હોય તેમને પુરી પાડવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા માટેના વાહનો કોન્વોયના વાહનોની ગણતરીમાંથી બાકાત રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર દ્વારા હુકમ કરી જણાવ્યું છે.
