છોટાઉદેપુર ખાતે આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલની અધ્યક્ષતામાં નેચરલ ફાર્મિંગ કોન્કલેવનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રી-વાઇબ્રન્ટ સમીટ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સીટીમાં નેચરલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવના અંતરીમ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોન્કલેવને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે પણ ખેતીવાડી વિભાગ અને આત્મા વિભાગ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્રમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળે એ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રાકૃતિક ખતી અંગે આયોજીત આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા તેમણે રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓના દુષ્પ્રભાવ અંગે વિગતે માહિતી આપી હતી. તેમણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીના મુળભૂત આધારસ્તંભો અંગે પણ વિગતે છણાવટ કરી હતી.
આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ પ્રકૃતિની સૌથી નજીક રહેલો સમાજ છે એમ જણાવી તેમણે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી જરૂરિયાત અંગે વિગતે જાણકારી આપી હતી. તેમણે ખેડૂતોને પ્રકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે આયોજીત નેશનલ નેચરલ ફાર્મિંગ કોન્કલેવના સમાપન સમારોહ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના રાજયપાલ મહોદય આચાર્ય દેવવ્રત, ગૃહ મંત્રી અમીતભાઇ શાહ, કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી તેમજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ખેડૂતોને આપેલા માર્ગદર્શનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની આભારવિધિ ખેતીવાડી અધિકારી સંજય ભગરિયાએ આટોપી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ટી.કે.ડામોર, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ રાઠવા, અગ્રણી મુકેશાઇ પટેલ, કાળુભાઇ નાયકા, આત્મા પ્રોજેકટના ડાયરેકટર ડી.એન.પટેલ, ખેડૂતો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


