Gujarat

જેતપુરમાં પોલીસની રહી સહી આબરુનું લીલામ, દારૂના બુટલેગરની પત્નીનો પોલીસ પર હુમલો

પેટા
પોલીસને રીતસરનું ભાગવું પડ્યું, મહિલાએ પથ્થર મારો કરી પોલીસને ભગાડી..

પેટા
જેતપુર શહેર ભાજપ મંત્રીને પણ દારૂડિયાની પત્નીએ હડફેટે લઈ કર્યો હુમલાનો પ્રયાસ

જેતપુર, તા.17 (આશિષ મહેતા દ્વારા)

જેતપુર શહેરમાં આ દેશીદારૂના બૂટલેગરો ફાટીને ધુમાડે ગયા હોવાનો વધુ એક પોલીસ તંત્ર માટે શરમજનક કિસ્સો બહાર આવ્યો છે.

દારૂના બુટલેગરની પત્નીએ શહેર ભાજપના મંત્રી ઉપરાંત પોલીસ ઉપર કોઈપણ પ્રકારના ભય વગર નિર્ભીક રીતે હુમલો કરી પોલીસને ભગાડી દેતા આ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

“બડી બેઆબરૂ હો કે હમ ભાગે, ક્યા કરે હમને હી પાલા થા” એવી કહેવત મુજબ જેતપુર શહેર પોલીસની રહી સહી આબરૂને ધૂળમાં મેળવી દેનારી શરમજનક કિસ્સાની વાત કરીએ તો જેતપુર શહેરમાં સુરજ વાડી વિસ્તારમાં આજે એક દારૂનો બુટલેગર પોતાની પત્ની સહિતના ઘરના સભ્યોને બેફામ મારતો હતો.

તેવા સમયે ત્યાં હાજર જેતપુર શહેર ભાજપના મંત્રી મુકેશ કવા આ બધો તમાશો જોયો હતો. તેવા સમયે દારૂના બુટલેગરની પત્ની શહેર ભાજપ મંત્રીનો કાંઠલો પકડીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શહેર ભાજપ મંત્રીએ સમય સચુકતા દાખવીને પોલીસ તંત્રને ફોન કરી દેતા જેતપુર શહેરનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પરંતુ કહેવાય છે કે દેશી દારૂના ધંધાર્થીઓમાં પોલીસનો લેશમાત્ર ડર ન હોય તેમ દારૂના ધંધાર્થીઓએ પોલીસને ઘેરી લીધી હતી. અને એક પોલીસના શર્ટના બટન પણ તોડી નાખ્યા હતા. આવા સમયે પોલીસને કોર્ડન કરીને ખાનગી લોકોએ દૂર ચાલ્યા જવા કહ્યું હતું.

ત્યારે મામલો પારખી ગયેલા પોલીસ ચાલતી પકડી હતી. પરંતુ દારૂના બુટલેગરની પત્નીએ પથ્થરોના ઘા કરી પાછળ દોડતા પોલીસને રીતસરનો ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું.

ત્યારે જેતપુરના ઇતિહાસમાં પોલીસ માટે આ કલંક સમાન ઘટના બની ગઈ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેતપુર શહેરના ખૂણે ખૂણે દેશીદારૂના હાટડા મંડાઈ ગયા છે. અહીં રોજ લાખો રૂપિયાનો દારૂ બને છે અને વેચાય છે. પરંતુ પોલીસ તંત્ર આવી દારૂની બદીને દૂર કરવાના બદલે માત્ર અને માત્ર હપ્તા વસુલી કરીને દારૂની બદીનું વિસ્તરણ કરે છે તેવા પ્રજાના આક્ષેપો છે.

બીજી બાજુ જેતપુર શહેરમાંથી દારુબદીક દુર કરવા માટે શહેર કોંગ્રેસના મહિલા શારદાબેન વેગડા છેલ્લા દસ દિવસથી પોલીસ સામે મેદાનમાં પડીને રેલી સુત્રોચ્ચાર તેમજ ધરણા જેવા આંદોલનાત્મક કાર્યક્રમો કરીને પોલીસની આંખો ખોલવા માંગે છે. પરંતુ પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં પડી હોય આજે ખુદ પોલીસને નીચાજોણું થયાની ઘટના બની છે.

આશ્ચર્યની વાત એ છે કે કોઇપણ શહેરમાં પોલીસ અમલદાર કડક હોય તો અસામાજિક તત્વો અને દારૂના બુટલેગર શહેર છોડી ભાગી જતા હોય છે. તેને બદલે જેતપુર શહેરમાં પોલીસના ડર વગર દેશી દારૂના ધંધાર્થીઓ બેફામ બનીને છકતાવેડા કરીને હજારો રૂપિયાનો દારૂ વેચીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.
આ વાતમાં પોલીસની રીતસરની સામેલગીરી હોય પોલીસને દર મહિને માગ્યા પૈસા ના હપ્તા પહોંચાડી દેવાતા હોવાથી સમસ્ત જેતપુર શહેર ને દારૂની બદીને ઘેરી લીધું છે.

જેતપુરમાંથી દેશી દારૂ અને અંગ્રેજી દારૂનું દુષણ દુર કરવુ અશક્ય બની ગઈ હોવાનું જાગૃત લોકો કહે છે. કારણકે જેતપુર શહેરની પોલીસ દારૂના બુટલેગરો સાથે સંકળાયેલી છે. અને મહિને મોટા મોટા હપ્તા લઈને જાણે દારૂ બનાવવાની છૂટ આપી દીધી હોય તેવો તાલ સર્જાયો છે.

જેતપુર વાસીઓ માટે સૌથી કમનસીબ બાબત એ છે કે એક મહિલા થઈને શારદાબેન વેગડાએ પોલીસ તંત્ર સામે દારૂની બદી દુર કરવાનું શસ્ત્ર ઉગામ્યું છે. પરંતુ પોલીસ પથ્થર સમાન બનીને આ બધો તમાશો નિહાળી રહ્યું છે.

જેતપુર પોલીસ સ્ટેશન આવતા ફરિયાદી લોકોને માત્ર ને માત્ર અરજી લઈને ધમકાવીને કાઢી મૂકવાની ફરિયાદો પણ મચ્છરમાંથી જીરાફ જેવી બની ગઈ છે. છતાં રાજકોટ જિલ્લા કે રાજ્યનો કોઈ પોલીસવડો જેતપુર ની પરિસ્થિતિ સામે નજર નથી કરતો તે સૌથી દુઃખની વાત કહેવાય.
…….

બોક્સ : રાજકોટ જિલ્લા પોલીસ વડા સામે પ્રજા આક્ષેપો
જેતપુર : જેતપુરના જાગૃત નાગરિકો તો ત્યાં સુધી કહે છે કે જ્યાં સુધી રાજ્યની પોલીસ જેતપુર શહેરમાં નહીં ત્રાટકે ત્યાં સુધી જેતપુર શહેરમાં દેસી અને અંગ્રેજી દારૂનો વેપલો બંધ કરાવવાનું અશક્ય છે. જેતપુરમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ બાબતે અખબારી અહેવાલો વહેતા થયા છતાં રાજકોટ જિલ્લા પોલીસ વડાએ એક પણ વખત જેતપુરની મુલાકાત લેવાનું મુનાસિબ માન્યું નથી. પરિણામે જાગૃત લોકોનો આક્ષેપ છે કે છેક જિલ્લા પોલીસ વડા સુધી જેતપુરના દારૂના બુટલેગર મોટી મોટી રકમના હપ્તા પહોંચાડી રહ્યા હોવાનું સાબિત થઇ રહ્યું છે. એટલા માટે જ તેઓ જેતપુર આવવાનું નામ લેતા નથી.

બોક્સ: ગાંધીનગરની વિજિલન્સ બ્રાચ જેતપુર ક્યારે આવશે ??

જેતપુર :જેતપુરનો બુદ્ધિજીવી વર્ગ કહે છે કે જેતપુર શહેરમાં દેશી અંગ્રેજી દારૂની બદીને નેસ્તનાબુદ કરવા માટે ગાંધીનગરથી પોલીસે ત્રાટકીને સાફસૂફી હાથ ધરવી જોઈએ. એટલું જ નહીં જેતપુર શહેરમાં વર્ષો થયા પોલીસ સ્ટેશનમાં છાપેલા કાટલાની જેમ નોકરી કરતા પોલીસ અધિકારીઓ અને અન્ય જિલ્લાઓમાં બદલી કરીને અથવા તો સસ્પેન્શનના પગલા ભરીને કડક દાખલો બેસાડવો જોઈએ. અન્યથા જેતપુર શહેર માંથી ક્યારેય દેશી અને અંગ્રેજી દારૂની બદી દૂર થશે નહીં.

બોક્સ : પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ કરો
જેતપુર :
જેતપુરમાં દેશી અંગ્રેજી દારૂ ના ચાલતા ધંધા બાબતે કસૂરવાર ઠેરવીને લાગતા-વળગતા પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. આ બાબતે જેતપુર શહેરમાં એક ચોક્કસ જૂથ દારૂ અંગેના તમામ અખબારી અહેવાલોના કટીંગ ભેગા કરીને રાજ્યના નવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચાડવાની તૈયારીઓ કરી રહ્યા છે.
રાજ્યના ગૃહ મંત્રી જો પોતાની ત્રીજી આંખ ખોલે તો જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ફરજ અનેક પોલીસ અધિકારીઓના હાંડલા અભળાઈ જાય તેવું ચર્ચાઈ રહ્યું છે.

બોક્સ :
રાજ્યના ગૃહમંત્રીના જેતપુર
આવવા જાગૃતઓનું આમંત્રણ
જેતપુર:
જેતપુર શહેરમાં દિનપ્રતિદિન ફૂલી ફાલી રહેલા અંગ્રેજી તેમજ તે દેશી દારૂના ધંધાર્થીઓને જેર કરવા માટે તેમજ દેશી દારૂની બદી દૂર કરવા માટે હવે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જેતપુરમાં આવવાની જરૂર છે તેવી જાગૃત લોકો મૂંગા મોઢે માગણી કરી રહ્યા છે.

બોક્સ : રાજ્યના આઈજીશ્રી, આપ અખબારો વાંચો છો કે નહીં ??
જેતપુર :રાજ્યના આઇજીએ પણ જેતપુર શહેરના પોલીસ સ્ટેશનમાં સાફસૂફી હાથ ધરવી જરૂરી છે. કારણ કે અહીંના તમામ પોલીસ અધિકારીઓને દેશી અંગ્રેજી દારૂના બુટલેગર પાસેથી મોટી રકમના હપ્તા મેળવતા હોવાથી તેઓ કોઈપણ પ્રકારની રેડ કે દરોડા પાડતા નથી. પરિણામે દારૂના બુટલેગર બેફામ બનીને જેતપુરમાં બેરોકટોક દારૂનો ધંધો કરે છે

બોક્સ:
મહિલા આગેવાને બીજીવાર રેલી યોજી મામલતદારને આવેદન આપ્યું
જેતપુર :
જેતપુર શહેરમાં વિદેશી દારૂની બદી દૂર કરવા માટે આઠ દિવસ પહેલા નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય શારદાબેન વેગડાએ પોલીસ તંત્ર સામે ધરણા કરીને મામલતદારને રેલી સ્વરૂપે આવેદન આપ્યું હતું. આમ છતાં આજે અઠવાડિયા દસ દિવસ પછી પણ પોલીસે એક પણ પ્રકારનો દારૂનો કેસ કર્યો ન હોય દારૂના બુટલેગરો સાથે જેતપુર શહેર પોલીસની સાંઠગાંઠ બહાર આવી ગઈ છે. હવે જેતપુર શહેરના પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ દારૂના બુટલેગર અને પકડી પાડી જેલ ભેગા કરવા માટે આજે બીજીવાર શારદાબેન વેગડાએ મહિલાઓને સાથે રાખીને રેલી યોજી મામલતદારને આવેદન આપ્યું હતું. શારદાબેન વેગડાએ માંગ કરી છેકે જેતપુર શહેરમાં પેધી ગયેલા પોલીસ અધિકારીઓને દૂર કરવામાં આવે તો જ દેશી દારૂની બદી દુર થાય તેમ છે. બાકી જેતપુર શહેરમાંથી દારૂની બદી દૂર કરવી હવે સ્થાનિક પોલીસ માટે અશક્ય છે. કારણ કે તેઓને દર મહિને મોટી મોટી રકમના હપ્તા મળતા હોવાથી તેઓ દારૂના બુટલેગર સામે આંખ મિચામણા કરે છે.

બોક્સ
બે મહિલા સહિત ચાર સામે
ફરજમાં રૂકાવટ નો ગુનો નોંધી પોલીસ
જેતપુર :
જેતપુરમાં ગઈકાલે પોલીસ સાથે ઝપાઝપી અને હુમલો કરવાની ઘટનામાં પોલીસે આકરા તેવર બતાવીને બે મહિલા સહિત ચાર સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. માટે આ બાબતે સ્થાનિક ડીવાયએસપી સાગર
બાગમાંરે મીડિયાને કહ્યું કે ગઈકાલની ઘટનામાં પોલીસ સાથે બોલાચાલી કરી અને ઝપાઝપી કરવાના બનાવમાં પોલીસે બે શખ્સને તેમની ૨ પત્ની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ ગુનો નોંધીને અટકાયત કરી છે. એક શખસ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિક્રમસિંહ ચુડાસમા જેતપુર

PicsArt_11-17-06.24.52.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *