ભારત સરકારના નિયમિત રસીકરણ કાર્યક્રમમાં એક નવી વેક્સિન ન્યુમોકોકલ કોંજુગેટ PCVને શામેલ કરવામાં આવી છે. બાળકોમાં ન્યુમોકોકસ બેક્ટેરિયા દ્વારા થનારી બીમારીઓ જેવી કે ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં આ રસી મદદરૂપ સાબીત થશે. ન્યુમોકોકલ બીમારીના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે અને તેમનું મૃત્યુ પણ થઇ શકે છે તેમજ પરિવાર પર ભારે આર્થિક ભારણ આવી શકે છે. ન્યુમોનિયા ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું એક મુખ્ય કારણ છે અને ન્યુમોકોકસ બેકટેરિયા એ ન્યુમોનિયાનું મુખ્ય કારણ છે. PCV ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ન્યુમોનિયાના મુખ્ય કારણ ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક માધ્યમ છે. ખાનગી ક્ષેત્રે ૨ થી ૨.૫ હજારમાં મળતી આ રસી PCV જે દેશભરમા નિયમિત રસીકરણ અંતર્ગત સરકાર દ્વારા વિનામુલ્યે આપવામાં આવી રહી છે.
જામનગર જિલ્લામાં દરેડ ખાતેથી જિલ્લા કક્ષાના PCV વેક્સીન લોંચીગ કાર્યક્રમની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઇ ચનીયારા, જિલ્લા કલેક્ટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.બથવારના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય સમિતીના ચેરમેન શ્રી જગદિશભાઇ સંગાણી, સરપંચ શ્રી રમીલાબેન રૂપાપરા, ટી.એચ.ઓ. શ્રી ડો.ગુપ્તા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિનોદભાઇ વાડોદરીયા તથા શ્રી કમલેશભાઇ ધમસાણીયા, ટી.ડી.ઓ. શ્રી સરવૈયા સહિતના આગેવાનો તથા ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતમાં સાર્વત્રીક રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે જામનગર શહેરમાં મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમનો મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, મ્યુ. કમીશનરશ્રી વિજય ખરાડી, આરોગ્ય સમિતીના ચેરમેન શ્રીમતી ડીમ્પલબેન રાવલ, શાસક પક્ષ નેતા શ્રીમતી કુસુમબેન પંડયા સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા મિશન ઈન્દ્રધનુષ, બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, દુધ સંજીવની યોજના વગેરે જેવા બાળ આરોગ્ય લક્ષી કાર્યક્રમો અમલમાં છે. ત્યારે ન્યુમોકોકલ કોંજુગેટ PCVને પણ સરકાર દ્વારા બાળકોના નિયમીત રસીકરણના કાર્યક્રમમાં સમાવવામાં આવતા તે બાળકોમાં ન્યુમોનીયા જેવા ચેપી રોગો સામેના રક્ષણનું અમોઘ શસ્ત્ર સાબીત થશે.
