Gujarat

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બધીજ ચૂંટણીઓ એકસાથે યોજવા માગ ઉઠી

વડોદરા
ચૂંટણી નું નામ આવતા ની સાથેજ તેની સાથે ઘણી બધી વાતો સામે આવતી હોય છે, વડોદરા ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી અત્યાર સુધી તો તેના નિયમોનુસાર યોજાઇ રહી છે. તેમ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સેનેટમા યુનિવર્સિટી તેમજ શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌનું પ્રતિનિધિત્વ જળવાય અને સૌ ર્નિણય પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે રીતે આરંભથી જ માળખું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં યુનિવર્સિટીના અધ્યાપકો, પ્રાધ્યાપકો, રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ, ડોનર, ટ્રેડ યુનિયન ઉપરાંત વડોદરાની શાળાઓના શિક્ષકોના પ્રતિનિધિનો પણ સમાવેશ થાય છે. આ તમામ કોન્સ્ટીટ્યુન્સીની ચૂંટણી એકસાથે યોજવામાં આવે તેવી માગ ઉઠી છે. અલગ-અલગ કોન્સ્ટીટ્યુન્સીમાં ચૂંટણી થતી હોવાથી તેમજ મતદારોનુ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાનું હોવાથી પૂરતો સમય મળી રહે તથા તેની યોગ્ય તૈયારી માટે તેનું નોટિફિકેશન ચૂંટણીના લગભગ છ મહિના પહેલા બહાર પડી જતું હોય છે. આ વખતે સેનેટની ચૂંટણીનું નોટિફિકેશન ૧/૭/૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ કોન્સ્ટીટ્યુન્સીને લગતું વિગતવાર નોટિફિકેશન ૨૯/૧૦/૨૦૨૧થી જાહેર કરવાની શરૂઆત થઇ હતી. જેમાં ઉમેદવારોની નોંધણી તથા ચૂંટણીની તારીખો પણ દર્શાવવામાં આવે છે. આમ મહિનાઓ પહેલાથી જ નિયમાનુસાર સેનેટની ચૂંટણીની પ્રક્રિયા આરંભ થઇ ચૂકી છે. પાછલા ૩ સેનેટ ઇલેક્શનમાં વિવિધ કોન્સ્ટીટ્યુન્સીની ચૂંટણીઓની તારીખો સાથે બીડેલા ટેબલમાં આપ્યા છે. જેનાથી અનેક આક્ષેપોનું આપોઆપ નિરાકરણ થઈ જાય છે. યુનિવર્સિટીની હાલની સેનેટની ટર્મ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨માં પૂર્ણ થઇ રહી છે. ઉપરાંત નેકની ટીમ જાન્યુઆરીના બીજા પખવાડિયામાં યુનિવર્સિટીની વિઝીટ કરશે તેવી સંભાવનાઓ છે. જેમાં યુનિવર્સિટીના સૌ પ્રાધ્યાપકો અને વહીવટી તંત્ર સહભાગી થતું હોય છે, તેવી પરિસ્થિતિમાં ઉતરાણ પહેલા બધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે હિતાવહ છે.
હાલમાં એક એવી માગણી કરવામાં આવી રહી છે કે બધી જ કોન્સ્ટીટ્યુન્સીની ચૂંટણી એકસાથે યોજવામાં આવે. પરંતુ યુનિવર્સિટીના ઇતિહાસમાં આજદિન સુધી ક્યારેય બધી જ ચૂંટણી એક દિવસે યોજવામાં આવી નથી. વ્યવસ્થિત આયોજનના ભાગરૂપે અલગ અલગ દિવસે જ ચૂંટણી યોજાઈ છે. ઉપરાંત એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે, ચૂંટણી વહેલી યોજવામાં આવી રહી છે. પરંતુ પાછલી ચૂંટણીઓની તારીખો જાેતા અધ્યાપકો અને પ્રાધ્યાપકોની ચૂંટણી દર વખત કરતા મોડી યોજાઈ રહી છે. પ્રોફેસર કેટેગરીની ચૂંટણી ૫/૧૧/૨૦૧૧, ૮/૧૨/૨૦૧૬ના રોજ યોજાઇ હતી અને હવે ૨૦/૧૨/૨૦૨૧ના રોજ યોજાઇ રહી છે. તેવી જ રીતે અધ્યાપકો માટેની કેટેગરીમાં ૨૩/૧૧/૨૦૧૧ તથા ૧૪/૧૨/૨૦૧૬ના રોજ ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણી આગામી ૨૯/૧૨/૨૦૨૧ ના રોજ યોજાશે.
આજ દિન સુધીમાં યુનિવર્સિટીને ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર ગેરરીતિ થઈ હોય એવા આક્ષેપોની કોઈ જ લેખિત ફરિયાદ મળી નથી. જ્યારે નોટિફિકેશન મુજબ મતદારોના રજિસ્ટ્રેશનથી માંડીને મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂક્યા હોય ત્યારે સમગ્ર પ્રક્રિયાને નિયમ અનુસાર રોકવી સંભવ નથી. આમ સમસ્ત પ્રક્રિયા યુનિવર્સિટીના નિયમો તેમજ વિશાળ હિતને ધ્યાનમાં રાખીને જ કોઈપણ ગેરરીતિ વગર હાથ ધરવામાં આવી છે.

Maharaja-Sayajirao-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *