Gujarat

મોઢેરા રોડ પરની ૧૦ દુકાનોમાં ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ

મહેસાણા
મોઢેરા રોડ પર લકીપાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં નગરપાલિકાએ બાંધકામની પરવાનગી આપેલી હતી, તે જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ થતો હોઇ શો રૂમ માલિકને અગાઉ નોટિસ પાઠવી હતી. પરંતુ ઉપયોગ ચાલુ રખાતાં નગરપાલિકાની ટીમ દ્વારા બુધવારે આ શો રૂમનું બિલ્ડીંગ સીલ કરી દેવાયું હતું .નગરપાલિકાના શાખા અધિકારીએ ટીમ સાથે સ્થળ પર પહોંચી શોરૂમના સંચાલક સાથે પરામર્શ કર્યા બાદ સીલ કરાયું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, રહેણાંક માટે બાંધકામ પરવાનગી આપેલી હતી, તેનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો. આ અંગે નોટિસ આપેલી છે. કાયદાનું ઉલ્લંઘન થતું હોઇ આજે જગ્યાને સીલ કરાઇ છે. બે માળના બિલ્ડિંગમાં પહેલા માળે કામદારો રહેતા હોઇ રહેણાંક હેતુ માટે તેમને આવવા-જવા પાછળનો દરવાજાે ખૂલ્લો રાખવા છૂટછાટ અપાઇ છે. કોમર્શિયલ ઉપયોગ નહીં કરવા સંચાલકને જણાવાયું હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતુંમહેસાણા શહેરમાં માનવ આશ્રમ ચોકડી ઇમરજન્સી ૧૦૮ની ઓફિસની બાજુમાં પતરાનાં શેડવાળી પાંચ દુકાનો, યુજીવીસીએલ રોડ પર કે.કે. વિદ્યાલયની બાજુમાં બે દુકાનો તેમજ ગાયત્રી મંદિર, ધરમ સિનેમા રોડ પર ત્રણ દુકાનોમાં ગેરકાયદે બાંધકામ થયેલાનું ધ્યાને આવતાં નગરપાલિકા ટીપી ચેરમેનની સૂચનાના પગલે આ દુકાનદારોને ૭ દિવસમાં બાંધકામના આધાર પુરાવા રજૂ કરવા નોટિસો ફટકારાઇ હતી. આમ છતાં કોઈ આધાર પુરાવા હજુ પાલિકાને મળ્યા ન હોઇ આવા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરાશે તેમ ટીપી ચેરમેન કનુભાઈ પટેલે જણાવ્યું હતું. જ્યારે મોઢેરા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં બનેલ લકીપાર્કમાં નગરપાલિકાએ રહેણાંક બાંધકામની પરવાનગી આપી હોવા છતાં કોમર્શિયલ ઉપયોગ થતો હોઇ બુધવારે મોડી સાંજે ધ ફાસ્ટર સાયકલ શો રૂમ સીલ કરી દેવામાં આવ્યો હતો.ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન કનુભાઈ પટેલે જણાવ્યું કે, શહેરમાં ગેરકાયદે બાંધકામો બાબતે દિવાળી પછી એક્શન લેવાશે. લકીપાર્કમાં પણ રહેણાંકની જગ્યાએ જે કોમર્શિયલ બાંધકામ થયાં હશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. બાંધકામનો હેતુફેર કરાયો છે કે નહીં તેની ખરાઈ કરાશે અને ચીફ ઓફિસર સાથે પરામર્શ કરી આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગેરકાયદે બાંધકામ મામલે નોટિસ આપવામાં સૂરુ નગરપાલિકા તંત્ર ગેરકાયદે બાંધકામો થતાં અટકાવવામાં અને દૂર કરવામાં ઉદાસીન રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *