બારડોલી
સુરત જિલ્લાના મોટેભાગના દારૂ પીવાના શોખીનો બિન્દાસ્ત પણે દારૂ સ્ટોક કરવા માટે એનઆરઆઇઓની લીકર પરમિટ પર દારૂ સ્ટોક કરી રહ્યા છે. ત્યારે દારૂબંધી માટે કડકાઇનો અમલ કરાવતું વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી પરમીટની પણ ખરાઈ કરે તો ચોકાવનારો ખુલાસો થાય એમ જણાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાંથી વધુ પ્રમાણમાં પરમિટ પર દારૂ જિલ્લામાં લાવવામાં આવી રહ્યો છે, જેમાં ચોકાવનારી વાત તો એ છે કે લીકર પરમિટ પર આપવામાં આવતો દારૂમાં ૧ યુનિટ (બોટલ) ૭૫૦ એમએલની એવી ૬ બોટલ પરમિટ ધારકને એક મહિનામાં આપવાની હોય છે, જે સામે વાઈનશોપમાંથી પરમિટ પર લવાતા દારૂમાં ૨ લિટરની એક એવી ૬ બોટલ આપવામાં આવે છે. પોલીસ ચેક કરતી સમયે માત્ર પાસપોર્ટ અને પરમિટ બહારથી જ જાેતા હોય, ખાસ ખરાઈ કરવામાં આવતી ન હોવાનું સૂત્રો જણાવે છે. જેના કારણે ઘણા લોકો આવી મોડેશ ઓપરેન્ડીથી સ્ટોક કરી રહ્યા છે. મહિનામાં એક વાર આપવામાં આવતા દારૂની જગ્યાએ વાઇન શોપ સંચાલકો પરમિટ ધારકોને રોજેરોજ દારૂનો સ્ટોક આપે છે અને પરમિટ પર લખેલી તારીખ સાફ કરી રોજની નવી તારીખ લખી દે છે. જે પોલીસ પણ ખાસ ખરાઈ કર્યા વિના, માત્ર પરમિટ હોવાનું જાણી દારૂ લઈ જતી કારને જવા દે છે. જિલ્લા પોલીસ આવા લીકર પરમિટ થકી થતાં દારૂના સ્ટોક બાબતે તપાસ કરાવે તો મોટું રેકેટ બહાર આવી શકે તેમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ૬ બોટલની મહિનાની પરમિટ હોય, તો તેઓને દારૂની ૭૫૦ એમએલની ૧ એવી ૬ બોટલો આપવામાં આવે છે અને વહિસ્કી ન લેવી હોય તો, ૧ બોટલની અવેજીમાં ૧૦ બિયરની કાચની બોટલ અથવા ૧૩ નંગ બિયરના ટીન આપવાના હોય છે. પરમિટ ધારકોને ૨ લિટરની બોટલ આપવામાં આવે છે.મહારાષ્ટ્રના વાઇન શોપના સંચાલકો રૂપિયા કમાવાની લાલચે મહિનામાં એક વારની જગ્યાએ અનેક વાર એક જ પરમિટ પર દારૂનો જથ્થો આપે છે. જેથી એનઆરઆઈ લીકર પરમિટ લઈને લોકો વારંવાર દારૂ લાવી સ્ટોક કરી રહ્યા છે. તો ઘણા લોકો અમુક બોટલો વધુ રૂપિયા લઈ બહાર ગેરકાયદે વેચી નવાપુર સુધી આવવા જવાનો ખર્ચ પણ કાઢી લેતા હોવાનું જાણવા મળે છે.સુરત જિલ્લાના ઘણાં વિસ્તારોમાં એનઆરઆઈ હાલ ડિસેમ્બર માસમાં મોટા પ્રમાણમાં વતન આવતા હોય છે. ત્યારે સ્થાનિકો જાણે એનઆરઆઈના આગમન કરતાં પણ એમની લીકર પરમીટની રાહ જાેઈ બેઠા હોય, એમ વતન આવતા જ એમની લીકર પરમિટ પર મહારાષ્ટ્રથી દારૂ લાવી થર્ટી ફર્સ્ટ તેમજ ઉતરાયણના તહેવારની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. દારૂ સ્ટોક કરનારાઓ પાસે એનઆરઆઈની પરમિટ હોવાના કારણે પોલીસ પણ વધુ ખરાઈ કરતી ન હોવાથી બિન્દાસ્ત પણે તહેવારોની ઉજવણી માટે દારૂનો સ્ટોક કરી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી સામે આવી છે.


