Delhi

જાે બાઈડેને યુક્રેનના રાષ્ટ્રપતિને મદદની ખાતરી આપી

નવીદિલ્હી
અમેરિકન પ્રમુખ જાે બાઇડેને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સકી સાથે વાત કરી છે અને તેમને રશિયન દળો દ્વારા ભયાનક હુમલાની ધમકી વચ્ચે મદદની ખાતરી આપી છે. તો બંને રાષ્ટ્રપતિઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ રશિયા સાથે તણાવ ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસો કરવાનું ચાલુ રાખશે. બાઇડેનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ચેતવણી આપી છે કે રશિયા યુક્રેન પર હુમલો કરવા માટે બહાનું શોધી રહ્યું છે. વ્હાઈટ હાઉસે બાઇડેન અને જેલેન્સ્કી સાથેની વાતચીત બાદ રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડેને સ્પષ્ટતા કરી દીધી છે કે યુનાઈટેડ સ્ટેટ્‌સ તેના સહયોગીઓ સાથે મળીને યુક્રેન વિરુદ્ધ રશિયાના કોઈપણ હુમલાનો ઝડપથી અને ખૂબ જ સખત જવાબ આપશે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ એક નિવેદન રજૂ કરીને કહ્યું કે બંને નેતાઓએ રશિયાના હુમલાના કિસ્સામાં મોસ્કો વિરુદ્ધ સંભવિત આર્થિક પ્રતિબંધો અંગે ચર્ચા કરી. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને સીબીએસ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે છેલ્લા ૧૦ દિવસમાં રશિયન સૈન્ય જમાવડામાં નાટકીય વધારો થયો છે. તેના દ્વારા રશિયન સેના કોઈપણ સમયે સૈન્ય કાર્યવાહી શરૂ કરી શકે છે. તેમણે કહ્યું કે અમે હુમલાના બહાના સહિત તમામ આશંકાઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આ અંતર્ગત રશિયાની ગુપ્તચર એજન્સીઓ પૂર્વ યુક્રેનમાં રશિયન સમર્થિત દળો અથવા રશિયન નાગરિકો પર હુમલો કરી શકે છે. તેઓ આ હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવી શકે છે. રશિયાએ યુક્રેનની સરહદ પર ૧૩૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે અને દાવો કર્યો છે કે તે લશ્કરી કાર્યવાહીનું આયોજન નથી કરી રહ્યું. રશિયાએ યુક્રેનને વિનંતી કરી છે કે તે યુએસ અને યુકેના બનેલા નાટો લશ્કરી જાેડાણનો ભાગ ન બને. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું માનવું છે કે રશિયા સાથે નાટોની સરહદનું વિસ્તરણ તેની સુરક્ષાને જાેખમમાં મૂકશે. યુએસ પ્રમુખ બાઇડેને તેમની વાતચીત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિને મદદની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે અમેરિકા યુક્રેનની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતા માટે પ્રતિબદ્ધ છે. વાતચીત દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ બાઇડેનને કિવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિએ બાઇડેનને કહ્યું કે જાે તમે કિવ આવો છો તો તે એક મજબૂત સંકેત હશે અને તણાવ ઘટાડવામાં મદદ મળશે.

President-of-Ukraine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *