નવીદિલ્હી
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અને કાશ્મીરી ફોટો-જર્નલિસ્ટ સના ઈરશાદ મટ્ટુને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવી. જર્નલિસ્ટ સના ઈરશાદ પુલિત્ઝર પુરસ્કાર લેવા ન્યૂયોર્ક જઈ રહી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકાના માન્ય વિઝા અને ટિકિટ હોવા છતાં તેમને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. આ બીજી વખત છે કે તેમને દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવી હોય. આ પહેલાં જુલાઈમાં પણ રોકવામાં આવી હતી. સના ઈરશાદે સોશિયસ મીડિયામાં લખ્યું- હું ન્યૂયોર્કમાં પુલિત્ઝર પુરસ્કાર લેવા જઈ રહી હતી, પરંતુ મને દિલ્હી એરપોર્ટમાં ઈમિગ્રેશન પર જ રોકવામાં આવી. મારી પાસે યુએસ વિઝા અને ટિકિટ પણ છે. તેમ છત્તા મને વિદેશ જવા પરવાનગી ન મળી. સના ઇર્શાદે પોતાનો પાસપોર્ટ અને ટિકિટ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ કેન્સલ કરી દીધી છે. તેમણે કહ્યું- આ બીજી વખત છે કે મને કારણ વગર રોકવામાં આવી હોય. થોડા મહિના પહેલાં જે બન્યું એ પછી ઘણા અધિકારીઓ સુધી પહોંચ્યા પછી, મને કોઈ જવાબ મળ્યો નહોતો. જીવનમાં એકવાર અવોર્ડ સમારંભમાં હાજરી આપવાનો અવસર મળ્યો હતો. આ પહેલાં તે જુલાઈમાં બુક લોન્ચ અને ફોટોગ્રાફી પ્રદર્શનમાં ભાગ લેવા પેરિસ જઈ રહી હતી, પરંતુ તેને દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ અટકાવી હતી. અધિકારીઓ અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી તેમની પર પ્રતિબંધ લગાવવાને કારણે તેમને રોકવામાં આવી હતી. આ ઘટના બાદ સના ઇર્શાદ મટ્ટુએ કહ્યું હતું કે આજે જે પણ થયું એ સંપૂર્ણપણે અનપેક્ષિત હતું. સનાએ પોતાના સત્તાવાર ટિ્વટર એકાઉન્ટથી ટ્વીટ કર્યું- સેરેન્ડિપિટી આર્લ્સ ગ્રાન્ટ ૨૦૨૦ના ૧૦ પુરસ્કારમાં સામેલ થવા માટે હું પુસ્તક લોન્ચ માટે અને ફોટોગ્રાફી પ્રદર્શન માટે પેરિસ જઈ રહી હતી. ફ્રાન્સના વિઝા હોવા છતાં મને દિલ્હી એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ ફ્લાઈટમાં બેસતાં અટકાવી હતી. મને કોઈ કારણ આપવામાં આવ્યું નહોતું. મને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે હું વિદેશ પ્રવાસ નહીં કરી શકું. મટ્ટુ સહિત ચાર ભારતીય ફોટો જર્નલિસ્ટને વૈશ્વિક રોગચાળા કોવિડ-૧૯ દરમિયાન તેમના કવરેજ માટે આ વર્ષે મે મહિનામાં મીડિયાનું સર્વોચ્ચ સન્માન પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.


