નવીદિલ્હી
ખાદ્ય તેલ કંપની રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ કરવામાં આવ્યું છે. આ મહત્વની જાણકારી કંપની તરફથી આપવામાં આવી છે. સ્વામી રામદેવની આગેવાનીવાળા પતંજલિ આયુર્વેદ ગ્રુપે વર્ષ ૨૦૧૯માં રુચિ સોયાને ખરીદી હતી. રિઝોલ્યુલશન પ્રોસેસ હેઠળ રૂ. ૪,૩૫૦ કરોડમાં રુચિ સોયાને ખરીદવામાં આવી હતી. રૂચિ સોયાએ શેરબજારને જાણકારી આપી હતી. રૂચિ સોયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ મામલાના મંત્રાલય તરફથી આ અંગે ૨૭ જૂન ૨૦૨૨ના રોજ એક મેઈલ પ્રાપ્ત થયો છે. જેમાં મુંબઈની કંપની રજિસ્ટરકર્તાએ ‘નામમાં ફેરફાર કરવાનું સર્ટીફિકેટ’ જાહેર કર્યું છે. આ સર્ટીફિકેટ ૨૪ જૂન, ૨૦૨૨થી અમલમાં આવ્યું છે. જેથી રૂચિ સોયાનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ લિમિટેડ કરી દેવામાં આવ્યું છે. કંપનીનું નામ બદલી દેતા આ મામલે કંપની શેરબજારને જરૂરી દસ્તાવેજ જમા કરાવી રહી છે. અગાઉ સ્વામી રામદેવની કંપની રૂચિ સોયા લિમિટેડે ૩૧ માર્ચ ૨૦૨૨ના રોજ પૂર્ણ થતા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા. ઉપરાંત રોકાણકારોને ડિવિડન્ડ આપવાનું એલાન કર્યું હતું. રૂચિ સોયા લિમિટેડે બોર્ડને નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે ૨૫૦ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. અગાઉ વર્ષ ૨૦૦૮માં કંપનીએ ૨૫ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. વર્ષ ૨૦૧૯માં રૂચિ સોયા લિમિટેડ નાદાર જાહેર થઈ જતા યોગ ગુરુ સ્વામી રામદેવે આ કંપની ખરીદી લીધી હતી. નામ બદલી દેવાને કારણે ચાર દાયદા જૂની બ્રાન્ડનું અસ્તિત્વ પૂર્ણ થઈ જશે. જે એડિબલ ઓઈલ બનાવતી પ્રમુખ કંપનીઓમાંથી એક હતી. પતંજલિ ગ્રુપે વર્ષ ૨૦૧૯માં આ કંપની ખરીદી હતી અને માત્ર બે વર્ષમાં જ આ કંપનીને પ્રોફિટેબલ બનાવી દીધી હતી. રૂચિ સોયા લિમિટેડ કંપનીનું નામ બદલી દેવામાં આવ્યું છે. જેથી પતંજલિ ગ્રુપના આ એકમમાં ૧૭ પ્રમુખ પોર્ટફોલિયોને શામેલ કરવામાં આવશે. એડિબલ ઓઈલની સાથે લોટ અને દાળ, જ્યૂસ તથા અન્ય પીણા, મસાલા, જામ તથા કેચપ, ઘી મધ, ચ્યવનપ્રાશ, ડ્રાયફ્રુટ અને હર્બલ મેડિસિન જ્યૂસને પતંજલિ ફૂડ્સના પોર્ટફોલિયોમાં શામેલ કરવામાં આવશે.


