નવીદિલ્હી
કોરોના પછી દિલ્હી કેપિટલ્સની ટીમ ગત મેચમાં નો બોલને લીધે વધુ વિવાદમાં આવી હતી. રિશભ પંચના નેતૃત્વ હેઠળ દિલ્હીનો નો બોલ વિવાદને લીધે રાજસ્થાન સામે ૧૫ રને પરાજય થયો હતો. જાે કે આવતીકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દિલ્હી જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે નો બોલ વિવાદને ભૂલીને ફરીથી જીતના પાટા પર પરત ફરવા પ્રયાસ કરશે. દિલ્હી કેપિટલ્સના હેડ કોચ રિકી પોન્ટિંગે ગત મેચ ક્વોરન્ટાઈનમાં રહીને નિહાળી હતી. પોન્ટિંગના નજીકના વર્તુળમાં કોઈ કોરોના પોઝિટિવ આવતા તે પાંચ દિવસ આઈસોલેટ થયો હતો. હવે પોન્ટિંગ દિલ્હી કેમ્પમાં પરત ફર્યો છે અને તે ટીમને પુનઃ પાટા પર લાવવા આતુર છે. દિલ્હી બીજા રાઉન્ડની લીગ મેચમાં પોતાના લય પ્રાપ્ત કરે તે ખૂબજ મહત્વનું છે. દિલ્હીએ સાત મેચ પૈકી ત્રણ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં સાતમાં ક્રમે છે. બીજીતરફ કોલકાતાએ પોતાની ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તે આઠમાં ક્રમે છે. દિલ્હી પાસે મજબૂત બેટિંગ લાઈન અપ છે. વોર્નર, પૃથ્વી, કેપ્ટન પંત અને પોવેલ સહિતના ખેલાડીઓ ફટકાબાજી કરી શકે છે. જાે કે કોલકાતાના ઝડપી બોલર્સ સામે તેમણે સતર્ક રહીને બેટિંગ કરવી પડશે. વોર્નર ત્રણ અડધી સદી બાદ રાજસ્થાન સામે નિષ્ફળ ગયો હતો. આ ઉપરાંત દિલ્હીએ સરફરાઝને ગત મેચમાં ત્રીજા ક્રમે તક આપી હતી પરંતુ તે ફ્લોપ સાબિત થયો હતો. હવે ટીમ ફરી તેના પર વિશ્વાસ મૂકે છે કે કેમ તે જાેવું રહેશે. દિલ્હી પાસે ક્વોલિટી બોલર્સ છે પરંતુ ખલીલ અહેમદ, મુશ્તફિઝુર, કુલદીપ સહિતના બોલર્સની રાજસ્થાનના બટલરે ભારે ધોલાઈ કરી હતી. અક્ષર અને લલિત પણ દિલ્હીને જીતાડવામાં મહત્વનો ફાળો આપી શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાના ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કરવાની જરૂર છે. કેપ્ટન શ્રેયસ ઐયર સહિતના બેટ્સમેનોએ પોતાની કમર કસી લેવી પડશે. ગત મેચમાં શ્રેયસ ચાલ્યો નહતો તેમજ સેમ બિલિંગ્સ અને નારાયણની ઓપનિંગ જાેડીએ ખાસ ઉકાળ્યું નહતું. જાે ફરી આ બન્ને બેટ્સમેન ઓપનિંગ કરશે તો તેમણે આક્રમક રમતનું પ્રદર્શન કરવું પડશે.


