અંકલેશ્વર ખાતે રાણા સમાજ દ્વારા 250 વર્ષ જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે. નવલા નોરતાંની રઢિયાળી રાતોમાં ઉભા ગરબા વડે સમાજના વડીલો અને યુવાનો દ્વારા અનોખી રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે.
અંકલેશ્વર રાણા સમાજ દ્વારા 250 વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે. પેઢી દર પેઢી સમાજના વડીલો પરંપરાગત વારસો પોતાની યુવા પેઢીને આપી રહ્યા છે. રાણા સમાજ દ્વારા અનોખી રીતે માતાની આરાધના કરે છે. જેમાં બાજઠ પર વાંસની કામળીની માંડવી બનાવે છે. જેમાં ત્રણ ગોખ બનાવવામાં આવે છે અને કાગળ વડે માંડવી સજાવામાં આવે છે. જેમાં 9 સ્થળ પર માતાજીના આધ્યાત્મિક ચિન્હનાં સ્થાપન સાથે 3 માળની ગોખમાં દરેક માળે માતાજીની સ્થાપના કરવામાં આવે છે. તેની આરતી કરી સમાજના યુવાનો, વડીલો માથા પર મૂકી તેને લઇ ગરબા રમે છે.
મંડપમાં બનાવેલા માતાજીના સ્થાનક પર બાજઠ પર તેને બેસાડવામાં આવે છે અને પ્રાચીન ગરબાની શરૂઆત કરવામાં આવે છે. જ્યાં સમાજના લોકો ગરબાની રમઝટ ગાયને બોલાવે છે. અને અસલ મંજીરા ઢોલક, તબલાં અને અન્ય સંગીત વાજિંત્ર વગાડી ગરબાની શરૂઆત કરે છે. જ્યાં સુધી ગરબા પૂરા ના થાય ત્યાં સુધી આ ગરબા મંડળી બેસતી નથી. રાત્રી ગરબા પૂર્ણ થતાં પૂર્વે માતાજીની આરાધના કરી આ માંડવીને સંગીતના સુરે વાઘેલાવાડ ખાતે સમાજના મોભીને ત્યાં મૂકી આવે છે. રોજ માંડવી લઇ આવી અને તેને મુકવામાં 9 દિવસ સુધી આરાધના કરવામાં આવે છે. જે બાદ અંતિમ દિવસે આ માંડવીને માતાજીના ગરબા ઘુમતાં-ધુમતાં દેસાઈ ફળિયા મંદિર ખાતે મૂકી આવી વિધિ સંપન્ન કરવામાં આવે છે.
અમારા પૂર્વજો પેઢી દર પેઢી 250 વર્ષ ઉપરાંતથી પ્રાચીન ગરબાનું આયોજન કરે છે. ઉભા ગરબાની ઓળખ રૂપી આ ગરબા ગાયક અને વાદક બને સમાજના યુવાનો કરે છે. જેમાં સમાજ અબાલ વૃદ્ધ ગરબા પર ઝૂમે છે. આજની અમારી યુવા પેઢી પણ હવે આ પરંપરા આગળ વધારી રહી છે.


