Gujarat

આદિવાસી મહિલા દેશમાં સર્વોચ્ચ સ્થાન  પર બિરાજમાન છે એ આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે 

સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે
મંત્રી: જગદીશભાઇ વિશ્વકર્મા
કવાંટ ખાતે રાજયમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માની
 ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા આપણા દેશમાં સામાન્ય પરિવારમાંથી આવેલી આદિવાસી મહિલા શ્રીમતિ દ્રોપદીબેન મુર્મુ દેશમાં સર્વોચ્ચ ગણાતા રાષ્ટ્રપતિપદ પર પદાસીન થયા છે જે બાબત આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે એમ ગુજરાત સરકારમાં કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ, વન અને પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી અને ઉદ્યોગ રાજયમંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
ગાયત્રી મંદિરની બાજુમાં, સૈડીવાસણ રોડ, કવાંટ ખાતે આયોજીત વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરકાર  આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી પ્રભાવિત આદિવાસી સમાજ વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે એમ જણાવી તેમણે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસમાં કોઇ કચાશ છોડી નથી. નરેન્દ્રભાઇ મોદીની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પુરઝડપે આગળ ધપાવી રહ્યા છે એમ જણાવ્યું હતું.
તેમણે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે જાણકારી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનાથી આજે દેશના હરેક ઘરમાં પીવાના શુદ્ધ પાણી મળી રહ્યું છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી, કિસાન સન્માન નિધિ, ઉજજવલા યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત રાજય સરકારની અનેકવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી હતી. આ ઉપરાંત તેમણે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને તેમના રેવન્યુ રેકર્ડમાં રાઠવા, રાઠવાકોળી કે કોળી રાઠવા લખેલું હશે તો તેમને અનુસૂચિત જનજાતિના દાખલાઓ આપવામાં આવશે એવો ઠરાવ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એમ જણાવ્યું હતું.
કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંગેની પૃષ્ઠભૂમિ આપતા જણાવ્યું હતું કે, રીઓ-ડી-જાનેરોમાં ૧૯૯૨માં યોજાયેલા પૃથ્વી સંમેલનમાં વિશ્વ આદિવાસી દિન બીજ પડ્યા છે એમ જણાવી તેમણે આદિવાસી સમાજ હકક-અધિકારો, તેમની આગવી જીવનશૈલી અને તેમની સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે યુનો દ્વારા તા. ૦૯મી, ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રાજયમંત્રી વિશ્વકર્માએ ઉપસ્થિત જનમેદનીની વચ્ચે જઇ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધતા તેમણે લાભાર્થીઓને કઇ યોજનાનો લાભ મળ્યો છે, તેમના જીવનમાં શૂ; પરિવર્તન આવ્યું એવા સવાલો કરી આત્મિયતા કેળવી હતી.
કાર્યક્રમના પ્રારંભે મંત્રી અને મહાનુભાવોએ આદિવસી સમાજની રૂઢિ પરંપરા પ્રમાણે પૂજા અર્ચના કરી ભગવાન બિરસા મુંડાની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દાહોદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા કાર્યક્રમમાં સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.અમે.બોરડે કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમ આભારવિધિ જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાચાણીએ આટોપી હતી.
કાર્યક્રમમાં પૂર્વ સંસદીય સચિવ જયંતિભાઇ રાઠવા, આદિજાતિ વિકાસ વિભાગના નાયબ સચિવ મનિષભાઇ મોદી, તાલુકા પંચાયત, કવાંટના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, અગ્રણી વિજયભાઇ રાઠવા, વરસનભાઇ રાઠવા, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

09-08-2022_-vishav-aadivasi-dinni-ujavani-kawant-5.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *