અમદાવાદ
સ્વચ્છતા અભિયાન હેઠળ કરાતી કામગીરીને અનુલક્ષીને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલીંગ) રૂલ્સ, ૨૦૧૬ મુજબ ડોર ટુ ડોર કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન અને ડીસ્પોઝલની પ્રક્રિયા મ્યુનિ. કોર્પોરેશન કરે છે. આ રૂલ્સ હેઠળ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એકમો પાસેથી યુઝર ચાર્જિસ એકત્ર કરવાની જાેગવાઈ છે. આ જાેગવાઈનો અમલ કરવાનો થાય અને આ બાબતના સર્વેક્ષણમાં અલગ માર્ક્સ પણ આપવામાં આવે છે. વાર્ષિક ડોર ટુ ડોર કલેક્શન પેટે અલગથી યુઝર ચાર્જ ૧ ઓક્ટોબર, ૨૦૧૮થી વસૂલવાની સત્તા અને ભવિષ્યમાં આ યુઝર ચાર્જની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનરને સત્તા આપવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાશે. સ્વચ્છ ભારત મિશનમાં સ્વચ્છ સર્વેક્ષણમાં સિટી રેન્કિંગમાં અમદાવાદનો રેન્ક આગળ રહે તે માટે પણ કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે યુઝર ચાર્જ લેવો જરૂરી છે, એવું આ અંગેની દરખાસ્તમાં જણાવાયું છે.સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ શહેરમાં સફાઈ અને સેનિટેશનના નામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુઝર ચાર્જ નાગરિકો પાસેથી લેવામાં આવે છે. અમદાવાદ શહેરને સ્વચ્છ બતાવી અને સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૨માં સફાઈ ના પુરા માર્કસ લેવાના નામે હવે નાગરિકો પાસેથી લેવાતાં યૂઝર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવી છે. રહેણાંક મિલકતોમાં પ્રતિદિન ૩ રૂપિયા અને કોમર્શિયલમાં ૫ રૂપિયા એમ યુઝર ચાર્જ લેવામાં આવશે. જેથી હવે અમદાવાદીઓ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત યુઝર ચાર્જ હેઠળ રહેણાંક મિલકતો પર વર્ષે રૂ. ૧૦૯૫ અને કોમર્શિયલ મિલકતો માટે વર્ષે રૂ. ૧૮૨૫ વસૂલાશે. વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે, આ દરખાસ્તનો અમે વિરોધ કરીશું અને મેયરને આ મામલે આવેદનપત્ર પણ આપીશું. એકતરફ સ્વચ્છતા અભિયાનના નામે ડોર ટુ ડોર કલેકશન નથી થતા અને કોર્પોરેશન પોતાની તિજાેરી ભરવા માટે યુઝર ચાર્જમાં વધારો કરી અને લોકો પર ભારણ વધારી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે અલગથી રહેણાંક મિલકતો પાસેથી પ્રતિ દિન રૂ.૧ લેખે વાર્ષિક રૂ. ૩૬૫ અને કોમર્શિયલ મિલકતો પાસેથી પ્રતિ દિન રૂ. ૨ લેખે વાર્ષિક રૂ.૭૩૦નો યુઝર ચાર્જ લેવામાં આવતો હતો. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૨માં નાગરિકોને પુરી પાડવામાં આવતી સફાઈ અને સેનિટેશનના સુવિધાના યુઝર ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા લાવવામાં આવી છે જેમાં હવે વધારો કરી રહેણાંક મિલકતોમાં પ્રતિદિન ૩ રૂપિયા અને કોમર્શિયલમાં ૫ રૂપિયા લેવા માટે જણાવવામાં આવ્યું છે. એક તરફ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જાેવા મળે છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કચરાના નામે અને કૌભાંડ કરતું આવ્યું છે ત્યારે હવે યુઝર ચાર્જમાં વધારા કારણે ચાલુ વર્ષે હવે રહેણાંક મિલકતો ધરાવતા નાગરિકો પર વર્ષે અંદાજે રૂ. ૧૮૦.૬૭ કરોડનો જ્યારે કોમર્શિયલ મિલકતોના નાગરિકો પર ૧૦૦.૩૭ કરોડનો બોજ પડશે. આમ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકો પાસેથી સફાઈની વ્યવસ્થાના નામે રૂ. ૨૮૧ કરોડ વસુલ કરશે.


