સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા નવી શિક્ષણનીતિ અંતર્ગત હવે સ્કીલ ડેવલોપમેન્ટ ને લગતાં વિવિધ વિષયો પણ અભ્યાસક્રમમાં દાખલ થશે ત્યારે વર્ષોથી સ્કીલ, કૌશલ્ય, નઈ તાલીમનો સમન્વય ધરાવતી સાવરકુંડલા તાલુકાના ખડસલી ખાતે આવેલ લોકશાળા ખડસલી વ્યક્તિ નિર્માણ અને ચારિત્ર્ય નિર્માણ માટે એક અનુપમ કાર્યશાળા જ ગણાય. વર્ષોથી અહીં બુનિયાદી, ગાંધીવિચાર, ઓર્ગેનિક ખેતી અને પશુપાલન ખાસ કરીને ગીર ગાયનું સંવર્ધન થાય અને ખેડૂતો પણ આ દિશા તરફ વળે એવાં સતત પ્રયાસ થતાં જોવા મળે છે તથા માનવજીવન માટે જરૂરી પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થામાં અભ્યાસ કરીને બહાર પડેલ વિદ્યાર્થીઓ સમાજનિર્માણની અનોખી સેવા બજાવી રહ્યા છે. આમ તો ખેતી, બાગાયતી ખેતી, ખાદી કાંતણ, જેવાં અનેક જીવન જરૂરી વિષયો અહીં આત્મસાત કરાવવામાં આવે છે.અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પોતે કાંતેલા કાંતણનાં જ વસ્ત્રો બનાવી ગણવેશ તરીકે પહેરે છે. આમ તો આ સંપૂર્ણ કેમ્પસમાં નિવાસી બાળકો અને શિક્ષકો જીવન ઘડતરનું અનુપમ ભાથું બાંધે છે. અહીં ઓર્ગેનિક ખેતી અને ગૌસંવર્ધન પણ એક અનોખી પહેચાન છે. ગાય આધારિત છાણિયું ખાતર અને જીવાષ્મી દ્વારા ખેતરમાં વિદ્યાર્થીઓ જ જાતે ખેતીવાડી કરે છે અને પોતે પકાવેલ શાકભાજી અને ફળોનું સેવન પણ અહીં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતે આરોગતાં જોવા મળે છે. કેમ્પસમાં આવેલ ગૌશાળામાં અસલ ગીર ગાયનું દૂધ બાળકોને તથા કર્મચારીગણ હોંશે હોંશે પીવે છે. આમ સાત્વિક ભોજન અને સાત્વિક પ્રવૃત્તિઓ અહીં શિક્ષણનો એક અભિન્ન ભાગ સમજવામાં આવે છે. આ સંસ્થાના નાના ધોરણથી લઈને બાર ધોરણ સુધીનો અભ્યાસ તથા એનીમલ હસબન્ડરી અર્થાત્ પશુચિકિત્સાનો અભ્યાસક્રમ પણ ચાલુ છે. આમ તો તોકતે વાવાઝોડુંમાં આ સંસ્થાને ભારે નુકસાન થયું હતું પરંતુ પીડીલાઈટ જેવી કંપનીઓ વ્હારે આવતાં સંસ્થાને ઘણી રાહત મળી છે.
સંસ્થામાં જ રહીને અભ્યાસ કરાવતાં આચાર્ય નાનજીભાઈ તથા ગોવાભાઈ સહિત તમામ કર્મચારીગણ સંસ્થાના બાળકોને વ્યક્તિ નિર્માણ સાથે ચારિત્ર્ય નિર્માણનું ઘડતર પણ કરે છે. આ સંસ્થામાં અભ્યાસ કરેલ બાળકો જીવવાના દરેક ક્ષેત્રમાં એક અનોખી છાપ છોડી જતાં જોવા મળે છે. હા, આપણાં રાજ્યપાલ શ્રી દેવવ્રતજી તથા પૂ. મોરારી બાપુ જેવાં સમર્થ વ્યક્તિત્વ ધરાવતી મહાન હસ્તીઓ પણ આ સંસ્થાની મુલાકાત લઈ ચૂક્યા છે. આમ ગણો તો વ્યક્તિ નિર્માણ માટે આ સંસ્થાનું યોગદાન સદાય ઈતિહાસનાં પાને અમર રહેશે.
આ સંસ્થાના એક રત્ન સમાન વ્યક્તિત્વ શ્રી મનુભાઈ મહેતાનું થોડા સમય પહેલાં નિધન થયું જેની કમી સંસ્થામાં ઉડીને આંખે વળગે તેવી છે. હવે તેણે સિંચેલાં સંસ્કાર અને ચીલે ચાલવું એ જ સ્વ. મનુભાઈ મહેતાને સાચી શ્રધ્ધાંજલી અર્પણ કરી કહેવાશે.


