ગાંધીનગર
પાકિસ્તાન હ્યુન્ડાઇએ કાશ્મીરને ભારતથી અલગ કરવા ઇચ્છતા લોકોના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. સાથે જ ભારત સામે કાર્યવાહી ચાલુ રાખવાનો ગર્ભિત સંદેશ આપ્યો હતો. આ વાતનો પડઘો ભારતમાં ગંભીર રીતે પડ્યો છે. અનેક લોકોએ પોતાની નવી હ્યુન્ડાઇ કારની ખરીદી કેન્સલ કરી દીધી છે. અનેક હસ્તીઓએ પણ હ્યુન્ડાઇ વિરુદ્ધના ટ્વીટર ટ્રેન્ડને સપોર્ટ આપ્યો છે. ત્યારે બજરંગ દળે હ્યુન્ડાઇ વિરુદ્ધ દેખાવો યોજવાનું આયોજન કર્યું છે. જે અન્વયે ગાંધીનગરમાં દળ દ્વારા હ્યુન્ડાઇ, ડોમિનોઝનો વિરોધ કરી સૂત્રોચારો કરવામાં આવ્યા હતા. બજરંગદળ દ્વારા હ્યુન્ડાઇ ભારતના મેનેજર સાથે વાત કરી હતી. હ્યુન્ડાઇના વડુમથક તરફથી આ અંગે માફી પત્ર જાહેર કરાયો હતો. પરંતુ તેમાં કશું માફી જેવું ન દેખાતા હ્યુન્ડાઇના શો રૂમ સામે વિરોધ પ્રદર્શન શરૂ કરવાનું જાહેર કરાયું હતું. બજરંગ દળના કાર્યકરો દ્વારા ગાંધીનગરમાં પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે પોલીસ પણ દોડી આવી હતી. બાદમાં બજરંગ દળ દ્વારા શોરૂમ અને આઉટલેટ બંધ કરાવી દીધા હતા.હ્યુન્ડાઇએ કાશ્મીર મુદ્દે કરેલી ટિપ્પણીનાં પગલે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે ગાંધીનગર બજરંગ દળ દ્વારા સેકટર-૨૮માં આવેલા હ્યુન્ડાઈનાં શો રૂમ તેમજ સેકટર-૧૧માં આવેલ ડોમિનોઝનાં આઉટલેટ પર ભારે સૂત્રોચારો કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું.
