Gujarat

ગાંધીનગર મનપાની ઓફિસમાં સફાઈ કામદારોએ ઝેરી દવા પીધી

ગાંધીનગર
ગાંધીનગર મહાનગર પાલિકામાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા સફાઇ કામદારોને પગાર વધારા સાથે નોકરી પર પરત રાખવાની બાંહેધરી બાદ પણ નોકરી નહીં મળતા સામૂહિક ઝેર પીવાની ચિમકી આપી હતી. જેના પગલે કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું અને છેલ્લી ઘડી સુધી આ કામદારોને મનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે પરંતુ તેમાં સફળતા મળી નથી. ગાંધીનગર મહાનગર પાલિકામાં બે ઝોનની સફાઇ એજન્સી મારફતે જ કરાવવામાં આવી રહી છે. ત્યારે આ એજન્સીના સફાઇ કામદારો પગાર વધારો અને સ્માર્ટવોચના મુદ્દે ૧૦૮ દિવસ સુધી હડતાલ ઉપર રહ્યા હતા. ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ અને સ્થાનિક ભાજપના સંગઠનના હોદ્દેદારો દ્વારા તેમને પારણાં કરાવીને પગાર વધારાની સાથે નોકરી ઉપર પરત રાખવાની બાંહેધરી આપવામાં આવી હતી. જાેકે, એક મહિના બાદ પણ સફાઇ કામદારોને પગાર વધારા સાથે નોકરી નહીં મળતા કોર્પોરેશન તંત્રને અલ્ટીમેટમ આપ્યું હતું. નહીંતર બીજી મેના રોજ સામૂહિક ઝેર પીવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જેને લઇને ગઇકાલથી કોર્પોરેશનના પદાધિકારીઓ દોડતા થયા હતા અને સફાઇ કામદારો સાથે બેઠકો કરી હતી, પરંતુ તે નિરર્થક નિવડી હતી. જેનાં પગલે આજે ચંદ્રકાંત સોલંકી, કિરણ સોલંકી અને ભદ્રેશ ગોહિલ નામના ત્રણ કામદારોએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ સેકટર-૭ પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ કોર્પોરેશનમાં હાજર હતા. ત્યારે મનપામાં આઈ કાર્ડ વિના કોઇને પ્રવેશ આપવામાં આવતો ન હતો. બીજી તરફ સફાઈ કામદારો આજે સ્ટેન્ડીંગ ચેરમેન સાથે પડતર માંગણીઓને લઇને રજૂઆત અર્થે પહોંચ્યા હતા. જ્યાં પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતાં પહેલાં એક સફાઈ કામદારે દવા ગટગટાવી હતી. જેનાં કારણે હોહા થતાં કામદારોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. એટલામાં બીજા બે કામદારોએ પણ દવા પી લેતા પોલીસ દોડતી થઇ ગઈ હતી અને ત્રણ કામદારોને સારવાર અર્થે મોકલી આપ્યા હતા. હાલમાં પણ કામદારો સૂત્રોચારો ચાલુ રાખતા પોલીસ કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહી છે.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પડતર માંગણીઓને લઇને સફાઇ કામદારોએ જંગ છેડ્યા પછી મેયર હિતેશ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખે હૈયા ધારણા આપતા કામદારોએ આંદોલન સમેટી લીધું હતું. જાેકે, આજદિન સુધી પડતર માંગણીઓ નહીં સંતોષાતાં ત્રણ કામદારોએ મનપા ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *