Gujarat

ગુજરાતના ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કરતાં અટકાયત કરાઈ

ગાંધીનગર
ગુજરાત સરકાર દ્વારા આરટીઈ એક્ટનું ઉલ્લંઘન કરી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરી લાખો ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરાઈ રહ્યાનાં ટેટ પાસ શિક્ષિત બેરોજગાર ઉમેદવારો આક્ષેપ કરી રહ્યા છે. એટલુ જ નહી ૧૮૦૦૦ જેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે સામે એક લાખ કરતાં પણ વધુ યુવાનો ટેટ પાસ કરી નોકરીની રાહ જાેઈ રહ્યા છે. જેની સામે સરકાર માત્ર ૩૩૦૦ શિક્ષકોની ભરતી કરી બેરોજગાર યુવાનો સાથે અન્યાય કરી રહી છે. જાે તમામ ખાલી જગ્યાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તો કેટલાય બેરોજગાર યુવાનોને રોજગારી મળવાની સાથે શિક્ષણમાં પણ સુધારો થાય એમ છે. ટેટ પાસ ઉમેદવારો વિદ્યાસહાયકની ભરતીમાં વધારો કરવામાં આવે તે માટે ઘ-૪ વિસ્ટા ગાર્ડન ખાતે ધરણા પર ઉતર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા આજ રોજ ફરીવાર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવ્યું હતું. આ અંગે ઉમેદવાર અજિતે જણાવ્યું કે, હું ગુજરાતી વિષયમાં ગોલ્ડ મેડલિસ્ટ છું. છતાં હું બેકાર છું. અમારી સરકાર પાસે એક જ માંગ છે કે ભરતી કેલેન્ડર મુજબ ભરતી બહાર પાડવામાં આવે. ૩૩૦૦ની જગ્યા સામે ૧૮ હજાર જગ્યાઓ બહાર પાડવામાં આવે તેમજ પ્રવાસી શિક્ષકોની પ્રથા બંધ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જે ૩૩૦૦ ની ભરતી બહાર પાડવામાં આવી છે તેના મેરીટની તારીખ પણ સરકાર દ્વારા નક્કી કરી દેવામાં આવી છે,ઉમેદવારોએ જણાવ્યું કે અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે ગાંધીચીંધ્ય માર્ગે આંદોલન કરીશું.રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ખાલી જગ્યાઓમાં ૧૦ હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા તાજેતરમાં આદેશ થતા લાંબા સમયથી ભરતીની રાહ જાેઈ રહેલા બેરોજગાર ઉમેદવારોમાં આક્રોશ વ્યાપી ગયો છે. જેનાં પગલે આજેપણ ટેટ પાસ બેરોજગાર શિક્ષકો દ્વારા ગાંધીનગરના ઘ-૪ ગાર્ડનમાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનાં પગલે તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *