જૂનાગઢ
ભેસાણ પીજીવીસીએલ કચેરીના જુનિયર ઈજનેર ભરત કરમટા, નાયબ ઈજનેર જે.ડી.જાદવ સહિતની ટીમ બે પોલીસ જવાન અને ચાર એસઆરપી જવાનોની સાથે વંથલી તાલુકાના લુશાળા ગામમાં વીજ ચેકિંગ કરવા ગયા હતા. ત્યારે એક મકાનમાં ચેકિંગ કરતા વીજપોલ ઉપરથી સીધો ઘરમાં વાયર પહોંચાડી વીજચોરી થતી હોવાનું જાેવા મળ્યુ હતુ. જેથી ટીમના અન્ય કર્મીઓએ મીટરની વિગત ચેક કરતા આ મીટર મોકા હીરાભાઈ ડાંગરના નામનું હતું. આ સમયે મકાન માલીકે અન્ય લોકોને બોલાવી લેતા બહાર દેકારો થવાની સાથે ટોળુ એકત્ર થઈ ગયું હતું. આ દરમિયાન વીજકર્મીઓની ટીમ મીટર ઉતારવાની કાર્યવાહી કરી કહી હતી. જેને મકાન માલિકે અટકાવી હતી. જેથી ત્યાં ભરતભાઈ અને અન્ય સભ્યો ગાડીમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે લોકો અપશબ્દો બોલવા લાગ્યા હતા અને વિગત ફાડી નાખો અને મારી નાખો એવા ઉચ્ચારણો કરી રહ્યા હતા. ટોળાએ વીજ ટીમને ઘેરી લીધી હતી. આ ટોળામાંથી એક શખ્સે કહ્યુ કે, હું સરપંચ બટુકભાઈ ડાંગર છું. જે ઘર ચેક કર્યુ છે. ત્યાં કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. એમ કહી ચેકિંગના કાગળો જપ્ત કરી લો તેમ કહેતા ઘર માલિકે ચેકીંગ શીટ, સિઝર મેમો અને ક્લિપઓન મીટર લૂંટી લીધુ હતું. બાદમાં ૪૦ લોકોના ટોળામાંથી ત્રણ ચાર લોકોએ જૂનિયર ઈજનેર ભરતભાઈને પકડી અન્યોને ઢીકાપાટુનો માર માર્યો હતો. ગાડીમાં બેસેલા જયેશ રાઠોડ, મનહર દાફડાને થપ્પડ મારી ઢીકા પાટુનો મારમાર્યા હતો. પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કાથડને ટોળાએ ગાડીમાં બેસતા અટકાવ્યા હતા. જેથી સમજાવવા પ્રયાસ કરતા કોન્સ્ટેબલને બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. આ સમયે વીજ ટુકડીની ટીમ જાન બચાવી બહાર રોડ પર પહોંચી ગઈ હતી. જેની પાસે જઈને ટોળાએ અપશબ્દો બોલી ધમકી આપી હતી. આ ઘટના અંગે જૂનિયર ઈજનેર ભરત કરમટાએ મકાન માલિક, લુશાળાના સરપંચ બટુક ડાંગર, તેનો પુત્ર સુભાષ અને ૪૦ થી ૫૦ લોકોના ટોળા સામે વીજ ચેકિંગ ટુકડી પર હુમલો અને ફરજમાં રૂકાવટ કરી સીઝર મેમો, ચેકીંગ શીટ સહિતના સામાન લૂંટી લઈ ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે વંથલી પોલીસે આઈપીસી કલમ ૩૯૪, ૩૩૨, ૧૮૬, ૨૯૪ (બી), ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૯ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને એસઆરપીનો સ્ટાફ સાથે હોવાં છતાં વીજકર્મીઓની ટીમ ઉપર હુમલો થયાની ઘટનાથી ચકચાર પ્રસરી ગઈ હતી. અમારા આખા ગામમાં ઈલેક્ટ્રીસીટી બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફે આવીને ગમે તેને મારવા લાગ્યા હતા. ઘરનો દરવાજાે તોડીને ઘરમાં ઘુસીને પોલીસવારા મારવા લાગ્યા હતા. ગ્રામજને વધુમાં જણાવ્યું કે, અમે પોલીસવારાને આ અંગે અમારો વાક શું છે તે પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે, તમારો વાક હોય કે ના હોય અમારે ૪૦ લોકોને પકડવાના છે. આમ ગ્રામજનોએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા.જૂનાગઢ જિલ્લાના લુશાળા ગામમાં વીજ ચેકિંગ કરવા ગયેલી વીજ વિભાગની ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો. ગામના સરપંચ સહિતના લોકોએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ મીટર સહિતના માલસામાનની લૂંટ કરી ફરજમાં રૂકાવટ કરી હતી. જે અંગે ઈજનેરે ફરીયાદ નોંધાવતા વંથલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ ગ્રામજનોએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ઘરમાં ઘુસીને પોલીસકર્મીઓએ લોકોને માર માર્યો હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા છે. તેમજ આખા ગામની ઈલેક્ટ્રીસીટી બંધ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
