Gujarat

ઢસા ગામે થયેલા આંગડિયા પેઢીના કર્મચારીની લૂંટ મામલે પોલીસે 9 આરોપીને ઝડપી પાડ્યા

ઢસા ગામનો રીક્ષા ચાલક સહિત કડી-કલોલના નવ લૂંટારૂઓ મુદ્દામાલ સાથે ઝડપાયા..
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા (જં) ગામે ગત શનિવારે વહેલી સવારે આર મહેન્દ્ર કુમાર નામની આંગડિયા પેઢીનો કર્મચારી પાર્સલોની ડિલિવરી આપવા બાઈક લઈને ગારીયાધાર જઈ રહ્યો હતો. આ વેળાએ કારમાં આવેલા લૂંટારૂઓએ બાઈક સાથે કાર અથડાવી 28 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતાં. આ પ્રકરણે ઢસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ આધારે બોટાદ એલસીબી, એસઓજી તથા ઢસા પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં ઢસા ગામનો એક મળી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 8 કુખ્યાત આરોપીઓ મળી કુલ નવ આરોપીઓને ઝડપી લીધા છે. આ સમગ્ર બનાવ અંગે ઢસા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ઢસા ગામે આવેલા આર મહેન્દ્રકુમાર નામની આંગડિયા પેઢીનો કર્મચારી હર્ષદ ઉમેશ રાજપૂત પેઢીમાંથી હિરા રોકડ તથા સોનાના દાગીના મળી કુલ રૂ.28 લાખનો મુદ્દામાલ લઈને ગારીયાધાર ડિલિવરી આપવા બાઈક લઈને રવાના થયો હતો. આ કર્મી ઢસા ગામથી બહાર નિકળે એ પૂર્વે એક કારમાં આવેલા શખ્સોએ કાર બાઈક સાથે અથડાવી આંગડિયા કર્મીને ઈજા પહોંચાડી ગણતરીની મિનિટમાં લૂંટની ઘટનાને અંજામ આપી નાસી છુટ્યા હતાં.
આ અંગે પેઢી મેનેજરે ઢસા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ આધારે બોટાદ એલસીબી એસઓજી તથા ઢસા પોલીસે આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા કમ્મર કસી વિવિધ ટેકનિકલ સોર્સીંસ સાથે બાતમીદારો અને ભૂતકાળમાં થયેલા આવાં ગુનાઓની મોડેસ ઓપરેન્ડીઓનો ગંભીરતાથી અભ્યાસ કરી પ્રથમ ઢસા ગામે શંકરપરા સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે રીક્ષા ચાલક મહોબ્બત ભીખા રાઠોડ ઉ.વ.50ને અટકમાં લઈ સઘન પુછપરછ હાથ ધરી હતી.
આ શખ્સે આંગડિયા પેઢીના કર્મીની રેકી કરી લૂંટની ટીપ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કંજરી ગામનાં ટ્રક ચાલક સલીમ જીવા સિપાઈને ઢસા ગામે રૂબરૂમાં આપી હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે લૂંટની ઘટનાને અંજામ આપવા ઉપયોગમાં લેવાયેલી કાર નં-જી-જે-01-કેબી-3011 ને શોધી કાઢી હતી અને તેના માલિક સરફરાઝ ઉર્ફે ટોપેટોપ ફૂતુમિયા પઠાણ ઉ.વ.42 રે.કડી વાળાને પણ રાઉન્ડ અપ કરી સઘન પુછપરછ હાથ ધરતા તેમણે પોતાના સાગરીતો સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી.
લૂંટ બાદ આ કાર બોટાદ જિલ્લામાંથી પસાર થઈ હોય તથા ગઢાળી ગામ પાસેથી લૂંટમાં ગયેલા હિરાના બે પાર્સલ પણ રોડપરથી પોલીસને હાથ લાગ્યાં હતાં. આથી લૂંટની ઘટનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધ્ધાર ટોપેટોપ બાદ અન્ય આરોપીઓને પણ પોલીસે સકંજામાં લીધા હતા. આ લૂંટમાં સંડોવાયેલા તમામ આરોપીના નામ આ મુજબ છે મહોબ્બત ભીખા રાઠોડ ઉ.વ.50 રે.ઢસા, સલીમ જીવા સિપાઈ ઉ.વ.38 રે.કંજરી તા.કડી,અરવિંદ ઉર્ફે ગડો દેવજી ઠાકોર ઉ.વ.26 રે.અગોલ ગામ તા. કડી,આમીન ઉર્ફે હારૂન ઈબ્રાહિમ સૈયદ ઉ.વ. 35,રે.ભટાસણા ગામ તા.કડી,ભરત કાનજી ઠાકોર ઉ.વ.28 રે.નોંઘણજ તા.કડી,સોહિલ મુસ્તાક શેખ ઉ.વ.30 રે.કડી,શાહરૂખ ઉર્ફે લાલો મહંમદ મલેક ઉ.વ.27 રે.કડી,ઝાકિર ઉર્ફે સુલતાન ખલીફા ઉ.વ.42,રે.કડી અને સરફરાઝ ઉર્ફે ટોપેટોપ ફૂતુમિયા પઠાણ ઉ.વ 42 રે.કડી વાળાઓની 31 નંગ હીરાનાં પાર્સલ 9,38,000 રૂપિયા રોકડા આરોપી ઓના મોબાઈલ નંગ 5 કિંમત રૂ,12,000 તથા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર કિંમત રૂ.1,00,000 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આમ બોટાદ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20220419-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *