નવસારી
નવસારી જિલ્લામાં આવેલી સબજેલમાં સજા કાપતી ૩૦ જેટલી મહિલા કેદીઓ પોતાના ભૂતકાળમાં કરેલી ભૂલ ને ભૂલીને નવું જીવન જીવે તે માટે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તપસ્યા નારી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને પદ્માવતી ફિનવેક્ષ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મહિલા કેદીઓને સાડી સહિત ગાંધીજીના જીવન ચારિત્ર્યનું પુસ્તક ભેટ સ્વરૂપે આપીને તેમની ભૂલોને અપનાવીને ફરીવાર નવું જીવન શરૂ કરવા પ્રેરણા આપી હતી. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સામાન્ય રીતે એવી મહિલાઓનું સન્માન કરવામાં આવે છે જેણે સમાજને કંઈક યોગદાન આપવા સાથે અનોખી સિદ્ધિ હાંસલ કરી હોય. પરંતુ સમાજનો એવો વર્ગ છે કે, જેમને લોકો ઉપેક્ષા સાથે જાેતા હોય છે ને એવી મહિલા કેદીઓએ ભૂતકાળમાં કરેલી પોતાની ભૂલ ના પસ્તાવા સાથે જેલમાં સજા કાપતી હોય છે. ત્યારે આવી મહિલાઓ જેલની સજા કાપ્યા બાદ તેઓ ફરિવાર જીવન શરૂ કરી શકે અને જીવન જીવી શકે તેવા ઉદ્દેશથી સામાજિક સંસ્થાઓએ તેમને પ્રોત્સાહિત કરવા માટે જેલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેલમાં મહિલા કેદીઓને ભોજન સહિત સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જેલ અધિક્ષક નાગજીભાઈ દેસાઈ, સહિત જિલ્લા અધિક કલેકટર કેતન જાેશી,પદ્માવતી ફિનવેક્ષના કલ્પેશ કોઠારી, રિશીદા ઠાકુર, ગૌતમ મહેતા,હરીશ મગણાની સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


