છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામીનારાયણ સત્સંગ હોલમાં રાજયના પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજયમંત્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના હકક-અધિકારો, તેમની આગવી જીવનશૈલી અને તેમની સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે એમ જણાવી તેમણે સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે લેવામાં આવી રહેલા સીમાચિહ્નરૂપ પગલાઓ અંગે જાણકારી આપી બજેટમાં આદિવાસી સમાજના વિકાસ માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઇ અંગે જાણકારી આપી હતી.
આ ઉપરાંત તેમણે પ્રાયોજના વહીવટદારની કચેરી, છોટાઉદેપુર દ્વારા જિલ્લામાં કરવામાં આવેલી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસને લગતી કામગીરીનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજયના વિકાસમાં આદિવાસી બાંધવો સક્રિય ભાગીદારી નોંધાવે, વિકાસના હકકદાર બને અને ઉજજવળ ભવિષ્ય પ્રાપ્ત કરે તે માટે વર્ષ ૨૦૦૭માં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. એમ જણાવી તેમણે વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨ માટે બજેટમાં રૂપિયા એક લાખ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કરતા રાજયમાં વસતા આદિજાતિ સમાજના લોકો માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે જાણકારી આપી સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે છણાવટ કરી હતી. આ ઉપરાંત તેમણે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા શિક્ષણ, આરોગ્ય, આવાસ, વ્યક્તિકલ્યાણલક્ષી યોજનાઓથી આદિવાસી સમાજના લોકોની કાયાપલટ થઇ હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે મંત્રી અને મહાનુભાવોએ આદિવાસી સમાજની રૂઢિ પરંપરા પ્રમાણે પૂજા અર્ચના કરી ભગવાન બિરસા મુંડાની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દાહોદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા કાર્યક્રમમાં સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશભાઇ ચૌધરીએ કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ આટોપી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


