“મંગલ ભવન અમંગળ હારી, દ્રબહુ સુદશરથ અચર બિહારી” અર્થાત્ ભગવાનનું ભજન-કીર્તન કરવાથી મનુષ્યના જીવનની તમામ પ્રકારની અમંગળ ઘટનાઓ દૂર થઈ મનુષ્ય જીવનનું કલ્યાણ થાય છે.હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે ભરૂચના વિવિધ ગણેશ મંડળો દ્વારા ભજન-કીર્તન, સંગીતમય સુંદરકાંડના પાઠ, અન્નકૂટ અને શ્રી સત્યનારાયણ દેવની કથા જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચમાં ગાયત્રીનગર સ્થિત જલારામ મંદિર ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા ભજન-કીર્તન, સંગીતમય સુંદરકાંડના પાઠ અને શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી રાધા-કૃષ્ણ ભજન મંડળ (મુ. સજોદ, તા.અંકલેશ્વર) ના જીતેન્દ્રભાઈ અને તેમની સંગીતની ટીમના વિવિધ કલાકારો દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ અને ભજનોની મજેદાર રમઝટ બોલાવી લોકોના મનને ડોલાવી નાંખ્યા હતા.અને લોકોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા હતાં.આ સમગ્ર કાર્યક્રમમાં ગાયત્રીનગર અને તેની આસ-પાસની સોસાયટીના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને લાભ લીધો હતો.


