Gujarat

માણાવદર તાલુકા કરણીસેનાએ યુવરાજસિંહને મુક્ત કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

જ્યાં વાળ પોતે ચીભડા ગળતી હોય ત્યાં ચોર કોને કહેવું? આ વાત એટલા માટે યાદ આવે છે કે કરોડો વિદ્યાર્થીઓના હિત અને તેમના મૌલિક અધિકારો માટે ભારતનો એક યુવાન સરકાર સામે બાંયો ચડાવી યેનકેન પ્રકારે પરીક્ષાઓમાં થતાં ગોટાળા, પેપર ફૂટવા વગેરે પ્રકરણો ખોલી રહ્યો છે ત્યારે તેમના ઉપર જ ખોટા કેસો કરી તેમને સતાવવામાં આવી રહ્યો છે. આ અંગે યુવરાજસિંહ જાડેજા એક રીતે જોતા તો તે સરકારને મદદ કરી રહ્યો છે સરકારી બાબુઓના પ્રકરણો ખોલી રહ્યો છે તો પછી તેમની ધરપકડ શા માટે ? શું વાડ પોતે ચીભડા ગળી રહી છે?
આ પ્રશ્ને આજરોજ માણાવદર તાલુકા શ્રી રાજપૂત કરણીસેનાના તાલુકા અધ્યક્ષ મહેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળા અને પરીક્ષા પૂર્વે જ પેપર ફૂટવાના કિસ્સાઓને યુવરાજસિંહ જાડેજા મીડિયાના માધ્યમથી ઉજાગર કરતો રહ્યો છે. આને કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે અને એમને ન્યાય અપાવવા યુવરાજસિંહ જાડેજા લડત આપતાં રહ્યા છે તેઓ એક રીતે તો સરકારને મદદરૂપ જ બની રહ્યા છે ત્યારે સરકારે તેમને ન્યાય આપી સાચા ગુનેગારોને પકડવા જોઈએ. અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ કલમ 307 અને કલમ 332 હટાવીને એમને ધરપકડ માંથી મુક્ત કરવા જોઈએ
સમગ્ર ગુજરાતની સર્વ સામાજિક સંસ્થાઓ દ્વારા યુવરાજસિંહ ઉપર લગાવાયેલી ખોટી કલમો – ગુનાઓને દૂર કરી તેમને મુક્ત કરવા માંગણીઓ ચાલી રહી છે રાજપૂત ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના લોકો યુવરાજસિંહને મુક્ત કરાવવા આગળ આવી રહ્યા છે એમ કરણીસેનાએ આવેદનપત્રમાં જણાવ્યું છે અને જરૂર પડ્યે મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આવેદનપત્ર આપતી વેળાએ કરણી સેનાના ઉપપ્રમુખ રાજભા ચાવડા, માણાવદર નગરપાલિકાના સદસ્ય ઉપેન્દ્રસિંહ ચુડાસમા, ખખાવી ગામના સરપંચ ભરતસિંહ ચુડાસમા, ચુડવા ગામના સરપંચ હરેન્દ્રસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ વિક્રમસિંહ ચાવડા, નિશાર ઠેબા, વિક્રમસિંહ ચુડાસમા, મેહુલ માણાવદરીયા, રાજુભાઈ બોરખતરીયા, કુલદીપસિંહ ઝાલા, કિશોરભાઈ પટેલ વગેરે સાથે રહીને માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું

IMG_20220408_145901.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *