Gujarat

વડાપ્રધાન મોદી ૨૧ એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે

ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રયાસો તેજ કરી દેવાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ડિનરનું આયોજન કર્યું છે, જેમાં ભાજપના તમામ ધારાસભ્યોને ભોજન માટે આમંત્રણ અપાયું છે. બીજી તરફ વડાપ્રધાન મોદી ભાજપના સ્થાપના દિવસ ૬ એપ્રિલે પક્ષના કાર્યકરોને સંબોધિત કરશે, જેની ભાજપના તમામ એકમોને સૂચના આપી દેવામાં આવી છે. વડાપ્રધાનની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં અવરજવર વધશે. ત્યારે ૨૧ એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવશે. સી.આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ દાહોદમાં રાખવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતના છ જિલ્લાના તમામ તાલુકા પંચાયતના ચૂંટાયેલા હોદ્દેદારો, સભ્યો સહિત સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ ખાતેના હોલમાં ખાસ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં સી.આર પાટીલે જાણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી ૨૧ની એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે, જેમનો કાર્યક્રમ દાહોદમાં રાખવામાં આવ્યો છે. અહીં તેઓ વિવિધ વિકાસનાં કામોનું લોકાર્પણ કરશે. ચાર રાજ્યોના ભવ્ય વિજય બાદ તેઓ દાહોદમાં આવી રહ્યા છે. તેઓ અમદાવાદ આવ્યા ત્યારે આપ સૌના સાથ સહકારથી ભવ્ય રોડ શોનું આયોજન કરવાનાં આવ્યું હતું. આ રોડ શો બાદ મોદીએ કહ્યું હતું કે રોડ શો ઘણા કર્યા, પણ હાઇવે પરનો રોડ શો આવો ક્યારેય થયો નથી. પ્રદેશ પ્રમુખે ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે મહીસાગર, પંચમહાલ, વડોદરા અને દાહોદના ૩ લાખથી વધુ કાર્યકર્તાઓને ભેગા કરવાનું આહવાન કર્યું હતું. મોદીના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને લાવવા માટે વાહનવ્યવહારની પણ સગવડ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પંદર દિવસમાં જ બીજીવાર ગુજરાત પ્રવાસ થવાનો છે. ૧૦ એપ્રિલે તેઓ ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સિટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે. ગત ૨૬ માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલમાં ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાયું હતું. ગુજરાતમાં હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થાય એવો માહોલ જામ્યો છે. આ સ્થિતિમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના ‘મિશન-૧૫૦’ને પાર પાડવા ભાજપે અનોખો રોડમેપ પણ તૈયાર કરી દીધો છે. વડાપ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના ૩૪ સાંસદ સાથે સંવાદ કર્યો હતો. એ ઉપરાંત જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. પીએમ મોદીએ ગુજરાતના તમામ સાંસદોને ‘બૂસ્ટર ડોઝ’ આપીને વિકાસકાર્યો જન જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. વિકાસના એજન્ડા પર જ ભાજપ આગામી ચૂંટણી લડવાનો છે એ નક્કી છે. આ માટે ભાજપે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવાનો વ્યૂહ ઘડ્યો છે. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ટાર્ગેટ કરીને જ વિધાનસભામાં ૧૫૦ બેઠકની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાનો ભાજપનો લક્ષ્યાંક છે. વડાપ્રધાનના માર્ગદર્શન બાદ ભાજપના તમામ નેતાઓ આગામી વિધાનસભામની ચૂંટણી માટે કામે લાગી જશે અને ૧૫૦ સીટો મેળવવાનો ટાર્ગેટ પૂરો કરવા મહેનત કરશે. તાજેતરમાં જ સંપન્ન થયેલી ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સળંગ બીજી વખત બે-તૃતીયાંશ બહુમતીથી વિજયપતાકા લહેરાવ્યો છે. એ ચૂંટણીમાં પણ ભાજપે ત્યાંની યોગી આદિત્યનાથ સરકારે પ્રજા માટેની વિવિધ યોજનાના લોકોને મળેલા લાભનો ભરપૂર પ્રચાર કર્યો હતો. આ માટે ગુજરાત પેટર્નથી પ્રચાર યુપીમાં કરાયો હતો. ત્યાં સફળતા બાદ હવે આ પેટર્ન ગુજરાતમાં પરત આવી છે. અહીં પણ ભાજપના પ્રદેશ સંગઠન અને સત્તા પાંખ બંનેને આ રાહે ગામે-ગામ લોકો સુધી પહોંચવાનો ટાર્ગેટ અપાયો છે.

PM-Narendra-Modi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *