Gujarat

સંખેડાની ડી. બી. પારેખ હાઈસ્કૂલ  ખાતે‘વિશ્વ આદિવાસી દિવસ‘ની ઉજવણી કરાઇ 

પ્રમાણિકતા, સમરસતા, આત્મીયતા
અને કર્મનિષ્ઠા એ આદિવાસી સમાજની વ્યાખ્યા છે
રાજ્ય મંત્રી આર. સી. મકવાણા
છોટાઉદેપુરના સંખેડા સહિત રાજયમાં
૨૭ સ્થળો પર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
   રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી આર. સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સંખેડા ખાતે જિલ્લા કક્ષાના ‘વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૨‘ની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં દાહોદના ઝાલોદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મંત્રી સંખેડા ખાતેથી જોડાયા હતા.
   આજનો દિવસ આદિવાસી સમાજ માટે તેમની સભ્યતા, સંસ્કૃતિ, સ્વ-શાસન અને મૂલ્યો માટે ગૌરવપૂર્ણ દિવસ ગણાવી મંત્રીશ્રી એ જણાવ્યું કે, સરકારના અથાગ પ્રયત્નોના કારણે આજે આદિવાસી સમાજ આગળ આવવાની સાથે સાથે જ મુખ્ય પ્રવાહમાં પણ ભળ્યો છે. આઝાદીની લડાઇમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર  વીર અને ક્રાંતિકારી આદિવાસી નાયકોને યાદ કરતા તેમણે ઉમેર્યું કે, “૨૦ વર્ષ પહેલા આદિવાસી સમાજને માત્ર વોટબેંક ગણવામાં આવતો હતો, પરંતુ આજે તેમના માટે વિકાસના દ્વાર ખુલવાની સાથે સરકાર અને વહીવટીતંત્ર યોજનાઓનો લાભ આપવા માટે લોકોના દ્વાર સુધી પહોંચે છે”.
    ડબલ એન્જિનની સરકાર અને તેના કાર્યોથી આદિજાતિ સમાજ ખૂબ પ્રભાવિત હોવાનું જણાવી મંત્રીશ્રીએ જણાવ્યું કે, “આદિવાસી બેલ્ટમાં આજે રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળતી થઇ છે. આ સુવિધાઓમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે”. આજે આદિવાસી યુવક-યુવતીઓ શિષ્યવૃત્તિ અને સરકારી સહાયનો લાભ લઈને ભણી રહ્યા છે; સરકારી તંત્રમાં અધિકારી-કર્મચારી તરીકે સેવા આપી રહ્યા છે, તો કેટલાય આદિવાસી યુવક- યુવતીઓ સરકારી સહાય થકી વિદેશમાં ભણતા હોવાનું તેમણે જણાવ્યું. સંસ્કૃતિ-પરંપરા-પ્રકૃતિનું જતન કરી આદિવાસી સભ્યતાને જીવંત રાખનારા આદિવાસી સમાજનું દેશ અને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન હોવાનું તેમણે ભારપૂર્વક કહ્યું.
    આદિજાતિ સમાજના ઉત્થાન અને ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કરતા ધારાસભ્યશ્રી અભેસિંહ તડવીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે, “ગુજરાતમાં આદિજાતિ સમાજનો એ હદે સર્વાંગી વિકાસ થયો છે કે, બીજા રાજ્યોના પ્રતિનિધિઓએ તેના અભ્યાસ માટે અહી આવવું પડે છે. તેમણે વધુમાં કહ્યું કે, “વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યો થકી સરકારે આદિજાતિ સમાજ સાથે આદિવાસી પટ્ટાઓની કાયાપલટ કરી છે”.
   મહાનુભાવોનું પરંપરાગત વેશભૂષાથી સ્ટેજ પર આગમન થકી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આદિજાતિ વિકાસ વિભાગ, છોટાઉદેપુરના મદદનીશ કમિશનરશ્રી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય દર્શાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ આદિજાતિ વિકાસની યોજના પર દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ સાથે જ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
   આ પ્રસંગે પ્રદેશ આદિજાતિ મોરચા કોષાધ્યક્ષશ્રી પ્રો. રસિકભાઈ રાઠવા, સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંજયભાઈ દેસાઈ, સંખેડા ભાજપના મહામંત્રીશ્રી, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, બોડેલીના પ્રાંત અધિકારીશ્રી, આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરશ્રી આર. બી. બારડ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કૃણાલભાઈ પટેલ, સંખેડાના મામલતદારશ્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

09-08-2022_-vishva-aadivasi-dinni-ujvani-sankheda-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *