સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
હજુ તો ઉનાળાની શરૂઆત જ છે ત્યાં જ લીંબુના ભાવ આસમાને..પ્રતિ કિલો એકના ૧૭૫ થી ૨૦૦ રૂપિયા ભાવે સાવરકુંડલાની શાકમાર્કેટમાં હાલ લીંબુ વેચાય છે. આમ તો ઉનાળાનો સમય હોય ત્યારે લોકોને ગરમીથી રાહત મેળવવા શહેરમા અનેક પ્રકારના ઠંડા પીણાં, જ્યુસ, લચ્છી, નાળિયેર પાણી, તરબુચ, શેરડીનો રસ વિગેરે ઠેર ઠેર વેચાતાં જોવા મળે છે. આ સંદર્ભે લીંબુ એટલે વિટામિન સી થી ભરપૂર અને રોજિંદા જીવન પધ્ધતિને તંદુરસ્ત અને સ્માર્ટ બનાવે છે. લીંબુ એટલે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ એક ઔષધની ગરજ સારતું જોવા મળે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં ખાસકરીને ગયા વર્ષે આવેલા તોકતે વાવાઝોડામાં અનેક લીંબુડીનો ખો નીકળી ગયો હતો. આમ પણ સામાન્યરીતે ઉનાળામાં લીંબુનો ભાવ વધુ જ હોય છે પરંતુ ૨૦૦ રૂપિયા કિલો એટલે અધધધ કહેવાય. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે આગળ તો પ્રખર ઉનાળામાં લીંબુનો ભાવ ક્યાં જશે? એ તો રામ જાણે.. જો કે શાકભાજીના ભાવ પણ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. એક તો કોરોના કાળમાં લોકોના ધંધા મંદા થયાં પછી તોકતે વાવાઝોડાએ માર માર્યો. અને ત્યારબાદ આ કારમો ઊનાળો.. વળી ઓછામાં પૂરું હતું તે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધના વાતાવરણ વચ્ચે વધતા પેટ્રોલ ડીઝલના ભાવે માણસને જીવવું દોહ્યલું બનાવી દીધું છે. હવે તો આ ભાવવધારા રૂપી રાક્ષસ આમ જનતા માટે શિરદર્દ સમો બની ચૂક્યો છે..

