સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર તરફના રોડ પર આવેલા દુધરેજ કેનાલ પાસે એક ૩૫ વર્ષીય પીડિત મહિલા જે પોતાના પતિના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે આવી હતી. જેની ૧૮૧ મહિલા હેલ્પલાઇનને જાણ થતા અભયમ ટીમ તાત્કાલિકના ધોરણે સ્થળ પર પહોંચી જઈને મહિલાનું કાઉન્સિલિંગ કર્યા બાદ મહિલાને સમજાવીને તેમના ઘરે પતિને પરત સોંપવામાં આવી હતી. છેલ્લા દસ વર્ષથી તેના પતિ શારીરિક તથા માનસિક ત્રાસ આપતા તેમજ મારઝુડ કરીને મેણાટોણા મારતા હતા. પીડિતાને તેના પતિ અવારનવાર ઝઘડો કરીને સાથે ના રાખવાની ધમકી આપીને છૂટાછેડા કરવા અંગે જણાવતા હતા. રોજરોજના કકળાટથી પીડિતા માનસિક રીતે કંટાળી જઈને પોતાના પિયરમાં જતી રહી હતી. થોડા સમય વિત્યા બાદ પોતાના પતિ તેમજ બાળકની યાદ આવતા તે પોતે પરત સાસરિયામાં આવીને પતિ સાથે રહેવા જણાવતા પતિ હાલ પીડિતાને સાથે રાખવાની ના કહેતા તથા બાળકો આપવાની પણ ના કહેતો હતો. પીડિત મહિલાને હવે પોતાનું કોઈ જ ના હોય અને ક્યાં જવુ શું કરવુ તેવા વિચાર પછી અંતે આત્મહત્યા કરવાનો વિચાર આવતા પોતાના ગામની નજીકની કેનાલ પર આવી જઇને છેલ્લી ઘડીએ પોતાના ભાઈ તથા બેન સાથે કોલ પર વાત કરી હતી અને પોતાની આપવીતી જણાવતા તેણીના ભાઈએ બહેનને ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં જાણ કરવાની માહિતી આપતા પીડિત મહિલાએ પોતે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને પોતાની સમગ્ર તકલીફ જણાવી હતી. ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ તુરંત કાઉન્સલર મધુબેન વાણીયા, કોન્સ રંજનબેન વાઘેલા તેમજ પાયલોટ બીપીનભાઈ ઇન્દરીયા સ્થળ પર પહોંચીને મહિલાનું કાઉન્સિલિંગ કર્યા બાદ મહિલાને આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરી, ગાડીમાં બેસાડીને તેના ઘરે પતિ પાસે લઈ જઈને પીડિત મહિલા તથા તેમના પતિ બંનેના પશ્નોનું નિરાકરણ લાવીને બંને પક્ષનું સ્થળ પર સુખદ સમાધાન કરાવ્યું છે. આમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની સરાહનીય કામગીરી એક મહિલાનો જીવ તથા લગ્નજીવન બચાવેલ છે.


