રવિવારે કઠલાલના બજારો સંપૂર્ણ બંધ રહ્યા
——————————-
મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલમાં શનિવારની રાત્રે છમકલું થયું હતું. વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવા બાબતે માથાકૂટ થતાં મામલો બિચક્યો હતો અને બન્ને બાજુએથી 20-20 લોકોના ટોળાઓ ધસી આવ્યા હતા અને મારામારી કરી હતી આ મારામારીમાં કુલ ૩ લોકો ઘાયલ થયા હતા સમગ્ર ઘટના ને પગલે કઠલાલ પોલીસે ક્રોસ ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
જ્યોતીન્દ્ર ઉર્ફે જય દેવીદાસ ભાવસારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવારે રાત્રે હું નગરના કડિયાવાડમાં ઊભા હતા ત્યારે આસીફ શફી કારીગર, અનીસ મહમદ ચૌહાણ, જિગર વ્હોરા, આદિલ સહિત 20 માણસોનું ટોળું લાકડીઓ, ભાલા જેવા હથિયારોથી સજ્જ થઈ ધંધુકાના કિશન ભરવાડ વિશે હિંદુઓ ખોટી વાતો કરી વીડિયો અપલોડ કરો છો કહી અપશબ્દો બોલી મારામારી કરી હતી. જેમાં 2 વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે આસીફ શફી કારીગર, અનીશ મહમદ ચૌહાણ, જીગર વહોરા આદિલ સિરાજ ભાઈ સહિત ટોળાં સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત સામાં પક્ષે કઠલાલ વ્હોરવાડમાં રહેતાં આસીફ યાકુબભાઈ વ્હોરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ રાત્રે કડિયાવાડના નાકે પાન ખાઈને ઘરે જતાં હતાં ત્યારે ભાવસાર વાડ તરફથી પીન્ટુ રબારી, અમિત બારૈયા, અમિત વ્યાસ સહિત 20 જેટલા વ્યક્તિઓનું ટોળું લાકડીઓ તલવાર તેમજ લાકડાંના દંડા લઈ ગાળો બોલતાં બોલતાં આવી હિંદુઓ વિશે ખોટા વીડિયો મુકો છો કહી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી તેમને સમજાવવા શાંત પાડવા જતાં પિન્ટુએ આસીફ વ્હોરાને ધક્કો મારી પાડી દીધાં હતાં. જ્યારે અન્ય ઈસમોએ લાકડી મારી માથામાં તેમજ કપાળ પર ઇજા કરી તમો લોકોને જીવતા રહેવા દેવાના નથી કહી મારી નાખવાની ધમકી આપી હતી.
આ વખતે બૂમાબૂમ થતાં સ્થાનિક લોકો દોડી આવતાં આ લોકો નાસી ગયા હતાં. આ ઝગડામાં આસિફને ઇજા થતાં સારવાર માટે નડીયાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે કઠલાલ પોલીસે પીન્ટુ રબારી, અમિત બારૈયા, અમિત વ્યાસ, જૈમિન ભાવસાર, અક્ષય રબારી સહિત ટોળાં સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કઠલાલ કડીયાવાડના નાકે બનેલી આ ઘટનાને પગલે કઠલાલ નગરમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. આ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી સ્થિતિ સંભાળી હતી.આ ઘટનાના બીજા દિવસે સમગ્ર કઠલાલ શહેરના હિન્દુ સંગઠને બંધનું એલાન આપ્યું હતું. જેથી રવિવારે કઠલાલના બજારો સંપૂર્ણ બંધ રહ્યા છે.
પોલીસે શાંતિ બનાવી રાખવાની અપિલ કરી છે જયારે ઈન્ચાર્જ ડીવાયએસપી અર્પિતા પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાદ બન્ને સમાજના લોકોને બોલાવી શાંતિ સમિતિની બેઠક કરી હતી અને પોલીસે નગરમાં કોમી છમકલા ન કરવા નગરજનોને અપીલ કરી શાંતિ બનાવી રાખવા જણાવ્યું છે.


