ગાંધીનગર
૧૪ એપ્રિલ ના રોજ ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિ નિમિત્તે કલોલમાં દલિત સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને ટાવર ચોક ખાતે આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જાેકે, પ્રતિમા પાસે ૧૫ લાખનાં ખર્ચે સ્થાપિત કરવામાં આવેલો રાષ્ટ્ર ધ્વજ આજના દિને જ કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવતાં ચાલુ રેલીએ દલિત સમાજ ભડક્યો હતો. દલિત સમાજે આજના દિવસે જ રાષ્ટ્ર ધ્વજ ગાયબ કરીને આંબેડકરનું હળાહળ અપમાન કરાયું હોવાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી. થોડા મહિના અગાઉ પણ ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થતાં દેશભરમાં રાષ્ટ્ર ધ્વજને અડધી કાઠીએ રાખવામાં આવ્યો હતો. પરંતુ નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ જવા છતાં કલોલ નગરપાલિકાએ બેદરકારી દાખવી કલોલ ટાવર ચોક પાસેના રાષ્ટ્ર ધ્વજને દોઢેક દિવસ સુધી અડધી કાઠીએ રાખી મુકતા કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ જવાબદાર સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે આજે ફરીવાર એજ રાષ્ટ્ર ધ્વજનો વિવાદ વકર્યો છે. ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે અંતર્ગત કલોલ ખાતે દલિત સમાજ દ્વારા પણ બંધારણના ઘડવૈયા આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી સાથે ભવ્ય વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ તેમજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કલોલ શહેરમાં ફરીને રેલી ટાવર ચોક ખાતે આવી પહોંચ્યા હતા. અહીં આંબેડકરની પ્રતિમા પાસેના હાઈ રાઇઝ પોલ પર લગાવેલ રાષ્ટ્ર ધ્વજ જાેવા નહીં મળતા દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો. જેનાં કારણે દલિત સમાજે કલોલ નગરપાલિકાના સત્તાધીશોએ જાણી જાેઈને આજદિને રાષ્ટ્ર ધ્વજ નહીં લહેરાવી આંબેડકરનું અપમાન કરાયાનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની તૈયારીઓ કરી હતી. આખું વર્ષ અહીં રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવે છે, પરંતુ આંબેડકર જયંતિના દિવસે જ રાષ્ટ્ર ધ્વજ ઉતારી લઈ આંબેડકરનું અપમાન કરાયું છે. રાષ્ટ્ર ધ્વજ ખંડિત થઈ ગયો હોય તો સત્તાધીશોએ ત્વરિત નવો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો જાેઈએ. જેથી આ અંગે પોલીસ ફરિયાદ કરાવવા માટે જઈ રહ્યાં છીએ.
