દ્વારકા
ખંભાળિયા-સલાયા ધોરીમાર્ગ પર સોડસલા ગામ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કમકમાટીભર્યા અકસ્માતમાં બંને બાઈક ચાલક યુવાનોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા અને એક બેંકમાં નોકરી કરતા જયદીપસિંહ ભોજુભા સોઢા નામના ૨૯ વર્ષના યુવાન શુક્રવારે નોકરી પૂરી કરી અને બાઈક પર બેસી અને તેમના સોડસલા ગામે જઈ રહ્યો હતો. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા અન્ય એક ડબલ સવારી બાઈક સાથે ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ જીવલેણ અકસ્માતમાં જયદીપસિંહને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે સામે આવી રહેલા બાઈકના ચાલક ૧૮ વર્ષીય સુલતાન અલી અકબરને પણ ગંભીર ઈજાઓ થતા તેનું પણ ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે તેની પાછળ બેઠેલા સાલેમામદ રજાક ગાધ નામના આશરે ૧૯ વર્ષના યુવાનને પણ ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બે બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બંને બાઈકના ચાલકોના મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવ અંગે મૃતક જયદીપસિંહના મોટાભાઈ રાજદેવસિંહ ભોજુભા સોઢા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા સલાયા મરીન પોલીસે સલાયાના બાઈક ચાલક મૃતક સુલતાન અલી અકબર સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (એ), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી. આ ઘટનાની કરુણતા તો એ છે કે ત્રણ વર્ષ પહેલા લગ્નગ્રંથિથી જાેડાયેલા જયદીપસિંહને અવતરેલી પુત્રીનો બે દિવસ પૂર્વે જ બીજાે જન્મદિવસ હતો. જે તેઓએ ધામધૂમપૂર્વક ઉજવ્યાના ૪૮ કલાકમાં જ જયદીપસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. ખંભાળિયા પંથકના ક્ષત્રિય અગ્રણી ઘેલુભા જાડેજા (તાલુકા પંચાયત સદસ્ય) તથા પ્રવિણસિંહ (જેલ સુપ્રિ.) અને એલસીબીના સજુભા જાડેજાના ભાણેજ એવા જયદીપસિંહના અકસ્માતે થયેલા કરુણ મૃત્યુથી નાના એવા સોડસલા તથા વિસોત્રી ગામ સાથે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.


