જસદણ
જસદણમાં ચિતલીયા કૂવા રોડ પર રહેતી મહિલા કોઈને કહ્યા વગર આપમેળે પોતાના ઘેરથી જતી રહી હતી. જે બનાવ અંગે રાજકોટ એસઓજીની ટીમે તપાસ કરતા મહિલા સિંગાપોર રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી એસઓજીની ટીમે તેને સિંગાપોરથી શોધી કાઢી હતી અને તેના પરિવારજનો સાથે વાતચીત કરાવી હતી અને તેણીએ તેના પસંદગીના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાની કેફિયત આપતાં પિતાએ પણ ગુમશુદાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. જસદણના ચિતલીયા કૂવા રોડ પર આવેલા કાનજીપરા શેરી નં.૨ માં રહેતી હનીબેન સુરેશભાઈ હીરપરા તા.૫-૭-૨૦૨૨ ના રોજ સવારના કોઈને કહ્યા વગર આપમેળે પોતાના ઘેરથી જતી રહી હતી. જે અંગે તેના પરિવારજનો દ્વારા જસદણ પોલીસ મથકમાં ગુમશુદાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બનાવની તપાસ કરતા હની હીરપરા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી(જાેગીદાસ) ગામના રહેવાસી નિહારભાઈ વિનોદભાઈ વેકરીયા સાથે પ્રેમલગ્ન કરી હાલ સિંગાપોરમાં રહેતી હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસઓજીની ટીમે હનીના પિતા સુરેશભાઈ હિરપરાનો સંપર્ક કરી સોશિયલ મિડીયાના માધ્યમથી હની સાથે તેમના પિતા સુરેશભાઈ અને બન્ને પરિવારના સભ્યોને વાતચીત કરાવી હતી. ત્યારે હનીએ રાજી-ખુશીથી નિહારભાઈ વેકરીયા સાથે હામાપર ગામ ખાતે જ પ્રેમલગ્ન કરી લીધા હોવાનું જણાવી લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ પણ રજૂ કરી હતી. હાલ હની તથા તેમના પતિ નિહાર બન્ને સિંગાપોરમાં રહેતા હોવાનું અને નિહાર કાફે મેનેજમેન્ટનો કોર્ષ કરતો હોવાનું જાણવા મળ્યું હતું તેમજ આગામી બે વર્ષ સુધી હની તથા નિહાર સિંગાપોર, ૨૩-ગેયલોંગ રોડ-૩૮૯૧૯૨ વાળા એડ્રેસ ખાતે રહેવાના છે તેવી હકિકત આપી હતી.


