ગાંધીનગર
ગાંધીનગરમાં છેલ્લા ઘણાં સમયથી સેન્ટિગનાં લોખંડના ફર્મા ચોરીની વ્યાપક બૂમરાણ ઉઠતાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાનાં સુપરવિઝન હેઠળ સ્ટાફના માણસોએ તપાસનો દોર શરૂ કર્યો હતો. જેનાં પગલે બાતમી મળી હતી કે, બોલેરો અને પીકઅપ ડાલામાં લોખંડના ફર્મા ભરીને કેટલાંક ઈસમો રાજસ્થાન તરફ વેચવા માટે નીકળ્યા છે. ચીલોડા તરફથી રાજસ્થાન તરફ જવાના છે. આથી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ચીલોડા નૅશનલ હાઇવે રોડ બ્રિજ પાસે વોચ ગોઠવી દીધી હતી. અને બાતમી વાળા વાહનોને ઝડપી લીધા હતા. જેમાં બેઠેલા ઈસમોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ સુરેશ કેશુ ગૌતમ મીણા (રહે. ભાડજ ગામ, અમદાવાદ, મૂળ રાજસ્થાન), નારાયણ કાંતિ કાલિયા રોત (રહે. ભાડજ ગામ, અમદાવાદ, મૂળ ડુંગરપૂર, રાજસ્થાન) અને જેઠમલ રામલાલ ગુર્જર (રહે. ભંગાર ના ગોડાઉનમાં, ઓગણજ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં બન્ને વાહનોમાં ભરેલ લોખંડના ફર્મા વિશે કડકાઈથી પૂછતાંછ કરતાં તેઓએ બે દિવસ અગાઉ મોટા ચીલોડા હિંમતનગર હાઇવે રોડ પર રાજધાની રેસિડેન્શિની બાજુની ખુલ્લી જગ્યાથી ૩૫૦ જેટલાં ફર્મા ડાલા નાખીને ચોરી કરી તેને જેઠમલનાં ગોડાઉનમાં મૂકી આવ્યા હતા. આ સિવાય અલગ દિવસોએ અગાઉ વિજાપુરથી, માણસા વિસ્તારમાંથી, ખાત્રજ મોટી ભોંયણનાં ખેતરમાંથી, કડી નર્મદા કેનાલ, વાસણા હડમતિયા તેમજ કલોલ ખાતેથી લોખંડના ફર્મા ચોરીને રાજસ્થાન વેચવા જતાં હોવાની વધુમાં કબૂલાત કરી હતી. ઉપરાંત લોખંડના ફર્મા જેઠમલ સ્ક્રેપમાં પણ વેચી મારતો હતી. જેનાં પગલે એલસીબીએ રૂ. ૩.૮૫ લાખના ફર્મા, બે વાહનો મળીને કુલ રૂ. ૧૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં અલગ અલગ સ્થળથી સેન્ટિગનાં લોખંડના ફર્મા ચોરતી ગેંગને લોકલ ક્રાઇમ દ્વારા ચીલોડા નૅશનલ હાઇવે રોડ પરથી બે વાહનો સાથે ઝડપી પાડી સાત ગુનાનો ભેદ ઉકેલી દઈ ૫૫૦ નંગ લોખંડના ફર્મા, બે વાહનો સહિતનો ૧૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


