Gujarat

ગીતાસાર

સાંસારીક મોહના લીધે જ મનુષ્‍ય હું શું કરૂં અને શું ના કરૂં? આવી દુવિધામાં ફસાઇને કર્તવ્યચ્યુત થઇ જાય છે એટલે મોહ અથવા સુખની આસક્તિને વશીભુત ના થવું જોઇએ..શરીર નાશવાન છે અને તેને જાણનાર અશરીરી આત્મા અવિનાશી છે.આ વિવેકને મહત્વ આપવું અને પોતાના કર્તવ્યનું પાલન કરવું..આ બન્નેમાંથી કોઇ એક અપનાવવાથી ચિન્તા-શોક દૂર થાય છે.

નિષ્‍કામભાવપૂર્વક ફક્ત બીજાના હિતના માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાથી જ કલ્યાણ થાય છે.. કર્મ બંધનથી છુટવાના બે ઉપાય છેઃકર્મના તત્વને જાણીને નિસ્વાર્થભાવથી કર્મ કરવું અને તત્વજ્ઞાનનો અનુભવ કરવો..મનુષ્યએ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવવા છતાં સુખી કે દુઃખી ના થવું જોઇએ કારણ કે તેનાથી પ્રભાવિત થનાર મનુષ્ય સંસારમાં ઉંચો ઉઠી પરમ આનંદનો અનુભવ કરી શકતો નથી.

કોઇપણ સાધનથી અંતઃકરણમાં સમતા આવવી જોઇએ.સમતા આવ્યા વિના મનુષ્ય નિર્વિકલ્પ થઇ શકતો નથી..તમામ પ્રભુરૂ૫ છે..આવો સ્વીકાર કરવો સર્વશ્રેષ્‍ઠ સાધન છે..અંતકાળે જેવું ચિંતન તે અનુસાર જીવની ગતિ થાય છે એટલે શ્વાસેશ્વાસે ભગવાનનું સુમિરણ કરતાં કરતાં પોતાના કર્તવ્યકર્મોનું પાલન કરવું જોઇએ,જેથી અંતકાળે ભગવાનની સ્મૃતિ રહે.

તમામ મનુષ્‍ય ભગવત્પ્રાપ્‍તિના અધિકારી છે,પછી તે ગમે તે વર્ણ,આશ્રમ,દેશ વગેરે ના કેમ ના હોય? સંસારમાં જ્યાં પણ વિલક્ષણ વિશેષતા,સુંદરતા,મહત્તા,બલવત્તા..વગેરે જોવા મળે તેને ભગવાનનું જ રૂપ માનીને ભગવાનનું ચિન્તન કરવું જોઇએ..આ જગતને ભગવાનનું સ્વરૂ૫ માનીને પ્રત્યેક મનુષ્‍ય ભગવાનના વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરી શકે છે.

જે ભક્ત શરીર ઇન્દ્રિયો,મન-બુધ્ધિ સહીત પોતે પોતાને ભગવાનને અર્પણ કરી દે છે તે ભગવાનને પ્રિય થાય છે..સંસારમાં એક પરમતત્વ જ જાણવા યોગ્ય છે,તેના જાણ્યા પછી અમરતાની પ્રાપ્‍તિ થાય છે.. સંસાર બંધનથી છુટવા માટે સત્વ,રજ અને તમ આ ત્રણ ગુણોથી અતિત થવું જરૂરી છે.અનન્યભક્તિથી મનુષ્‍ય આ ત્રણ ગુણોથી રહીત થઇ શકે છે..

આ સંસારનો મૂળ આધાર અને અત્યંત શ્રેષ્‍ઠ પરમ પુરૂષ એક પરમાત્મા જ છે..એવું માનીને અનન્યભાવથી તેમનું ભજન કરવું જોઇએ..દુર્ગુણ-દુરાચારોથી મનુષ્‍ય ચૌરાશી લાખ યોનિઓ તથા નરકોમાં જાય છે અને દુઃખ પામે છે એટલે જન્મ-મરણના ચક્કરમાંથી છુટવા માટે દુર્ગુણ-દુરાચારોનો ત્યાગ કરવો પરમ આવશ્યક છે.

મનુષ્‍ય શ્રધ્ધાપૂર્વક જે પણ શુભ કર્મ કરે છે તેને ભગવાનનું સ્મરણ કરીને જ શુભારંભ કરવો જોઇએ.. તમામ ગ્રંથોનોનો સાર વેદ છે,વેદોનો સાર ઉ૫નિષદ છે,ઉ૫નિષદોનો સાર ગીતા છે અને ગીતાનો સાર ભગવાનની શરણાગતિ છે.જે અનન્યભાવથી ભગવાનનું શરણ લે છે તેને ભગવાન તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે..

વ્યર્થની ચિંતા કેમ કરો છો? કોનાથી ડરો છો? તમને કોન મારી શકે તેમ છે? આત્મા જન્મ-મરણથી રહિત છે..ભૂતકાળમાં જે કંઇ થયું સારૂં જ થયું,વર્તમાન સમયમાં જે થઇ રહ્યું છે તે સારૂં જ થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે કંઇ થશે તે સારૂં જ થશે.તમે ભૂતકાળનો પશ્ચાતાપ ના કરો,ભવિષ્યની ચિંતા ના કરો,વર્તમાન સુધારો..

તમારૂં શું ગયું છે કે તમે રડો છો? તમે જન્મ સમયે સાથે શું લઇને આવ્યા હતા કે જે તમે ગુમાવ્યું છે? તમે શું પૈદા કર્યું છે કે જેનો નાશ થયો છે.તમે જન્મ સમયે કશું લઇને આવ્યા નહોતા અને મૃત્યુના સમયે કશું સાથે લઇને જવાના નથી.જે કંઇ મળ્યું તે અહીયાં આવ્યા બાદ પ્રભુએ આપ્યું છે અને મૃત્યુના સમયે અહી જ આપીને જવાનું છે.

ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના છીએ.જે આજે તમારૂં છે તે ગઇકાલે બીજા કોઇનું હતું અને આવતીકાલે તે બીજા કોઇનું થઇ જવાનું છે તેને પોતાનું સમજો છો તે જ તમારા દુઃખનું કારણ છે. પરીવર્તન સંસારનો નિયમ છે.તમે જેને મૃત્યુ સમજો છો તે જ જીવન છે.એક ક્ષણમાં તમે કરોડોના સ્વામી બની જાઓ છો અને બીજી ક્ષણે તમે દરિદ્ર બની જાઓ છો.

મારૂં-તારૂં,નાના-મોટા,પોતાના-પારકાની ભાવના મનમાંથી કાઢી નાખશો તો તમામ તમારા છે અને તમે તમામના છો.આ શરીર તમારૂં નથી કે તમે શરીરના નથી.શરીર પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે અને અંતે તેમાં જ સમાઇ જવાનું છે પરંતુ તમે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત સ્થિર આત્મા જન્મ-મરણની ક્રિયાથી રહિત અલગ છો.

તમે પોતે પોતાને ભગવાનને અર્પણ કરી પ્રભુની શરણાગતિ સ્વીકારી લો કારણ કે એ જ ઉત્તમ સહારો છે અને આ સહારા(પરમાત્મા)ને જે જાણે છે તે ભય ચિંતા શોક તથા જન્મ-મરણથી મુક્ત થઇ જાય છે.તૂં જે કંઇ કરે છે તે ભગવાનને અર્પણ કરી દે,આમ કરવાથી તૂં હંમેશાંના માટે જીવનમુક્તિનો આનંદનો અનુભવ કરી શકીશ.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *