ધઉં ૨૪ કટ્ટા ૧૪૫૦ કિ.ગ્રા. તેમજ ચોખા ૪૧ કટ્ટા ૨૫૦૦ કિ.ગ્રા. મામલતદારે ઝડપી પાડ્યો..
ઊના – ગીરગઢડા પંથકમાં રેશનિંગનો જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની ફરીયાદ ઉઠવા પામતી હોય અને તંત્ર મુક પ્રેક્ષક બની તમાસો જોતુ હોય ત્યારે તાલુકાના ધોકડવા ગામે ઘાણાઘંટીનો વ્યવસાય કરતા શખ્સની ઘરે રેશનિંગના ઘઉં, ચોખાનો જ્થ્થો હોવાની બાતમી ગીરગઢડા તાલુકાના મામલતદારને મળતા તાત્કાલીક પહોચી જઇ જથ્થો સિઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ઘાણાઘંટીની દુકાન ધરાવતો ચનાભાઇ પાંચાભાઇ બલદાણીયા પોતાના રહેણાંક મકાનની અંદર મોટા પ્રમાણમાં રેશનિંગના માલનો જથ્થો રાખેલ હોય જેની બાતમી ગીરગઢડા મામલતદાર કાનાણીને ટેલીફોનિક ફરીયાદ મળેલ હતી. જેથી ગીરગઢડા મામલતદાર તાત્કાલીક સ્ટાફ સાથે ધોકડવા ગામના ચનાભાઇ પાંચાભાઇ બલદાણીયાના ઘરે પહોચી ગયેલા અને રહેણાંક મકાનની અંદર તપાસ હાથ ધરતા ઘઉંના ૨૪ કટ્ટા ૧૪૫૦ કિ.ગ્રા. તેમજ ચોખા ૪૧ કટ્ટા ૨૫૦૦ કિ.ગ્રા.નો મોટાપાયે જથ્થો મળી આવેલ હતો. અને આ રેશનિંગના અનાજ બાબતે પુછપરછ કરતા તેમની પાસેથી કોઇ કોઇજાતના રજીસ્ટર કે લાઇસન્સ વગર ગેરકાયદેસર જથ્થો રાખેલ હતો. અને વધુમાં જાણવા મળેલ કે આ રેશનિંગનો જથ્થો ઉના અને ગીરગઢડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ફેરીયાઓ દ્રારા લાભાર્થીઓના ઘરે પહોચી ખરીદી કરતા હોય છે. અને આ જથ્થો અમુક કિંમતે વહેચતા હોય છે. બીજી તરફ ગીરગઢડા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં અનાજનો જથ્થો એકત્ર કરી ટ્રક મારફતે મોટા શહેરોમાં પણ પહોચાડતા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે ધોકડવામાં પકડાયેલ રેશનિંગનો જથ્થો મામલતદારે કબ્જે કર્યા બાદ સીઝ કરી આગળની વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી કરેલ..
