Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આજથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે 

અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ગજેન્દ્રસિંહ
પરમારના હસ્તે સંખેડા ખાતેથી  કરવામાં આવશે રથયાત્રાનો શુભારંભ
આજે તા. ૦૫મી, જુલાઇના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આવેલી ડી.બી.પારેખ હાઇસ્કૂલ ખાતે રાજયના અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજયમંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરવામાં આવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજયમાં તા. ૦૫મી, જુલાઇથી ૧૯મી, જુલાઇ દરમિયાન વંદે ગુજરાત વિકાસ યાત્રા “૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ”નું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાશે. આ વિકાસયાત્રાનું સંખેડા ખાતેથી રાજયમંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે શુભારંભ કરવામાં આવશે.
છોટાઉદેપુર જિલ્લાની દરેક જિલ્લા પંચાયતની બેઠકને આવરી લેતી આ વંદે ગુજરાત વિકાસયાત્રા માટે બે રથોની ફાળવણી કરવામાં આવી છે. આ બે રથ તા. ૦૫મી, જુલાઇથી તા. ૧૯મી, જુલાઇ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની તમામ જિલ્લા પંચાયતની બેઠકોમાં સમાવિષ્ઠ ગ્રામ્ય વિસ્તારને ખુંદી વળશે.
વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સમાવિષ્ઠ ગામડાઓમાં રથના ભ્રમણ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં નવનિર્મિત થયેલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ યોજનાઓની માહિતી મળી રહે એ માટે જુદા જુદા વિભાગોની યોજનાકીય માહિતીને લગતા સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે.
રાજય સરકાર દ્વારા આયોજીત વંદે ગુજરાત વિકાસયાત્રાના આયોજન અંગે સમીક્ષા કરવા માટે જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
વંદે ગુજરાત વિકાસયાત્રાના શુભારંભ કાર્યક્રમમાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની સાથે સાંસદ  ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ  મલકાબેન પટેલ, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી પણ ઉપસ્થિત રહેશે એમ આયોજકો તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *